• મંગળવાર, 28 નવેમ્બર, 2023

અમદાવાદમાં ક્રિકેટ રસિકોનો સાગર ઘૂઘવાયો મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી રોડ પર સતત ફરતી રહી

સ્ટેડિયમની બહાર એક ચાહક નરેન્દ્ર મોદીનું કટઆઉટ લઇને પહોંચ્યો

મુંબઈનો પરિવાર કાર પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના પોસ્ટર્સ અને ટ્રોફી લગાવી અમદાવાદ આવ્યો

અમદાવાદ, તા. 19: (ફૂલછાબ ન્યુઝ) અમદાવાદમાં જાણે કે કોઇ મહા ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.  ક્રિકેટના મહાપર્વ સમા વિશ્વકપની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી અને મેચ પણ ભારત અને ઓસ્ટ્રેલિયાની છે. જેને લઇને ક્રિકેટના મહાપર્વમાં ચાહકોનું મહેરામણ ઉમટ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. જ્યાં નજર ફરે ત્યાં માત્રને માત્ર બ્લ્યૂ જર્સી અને તિરંગો જોવા મળ્યો હતો.

વર્લ્ડ કપની ફાઇનલમાં આજે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટીમને ચીયર અપ કરવા માટે લાખો લોકો આવ્યા હતા ત્યારે ઇન્ડિયાની ટીમ આઇટીસી નર્મદા હોટેલથી નીકળી ત્યારે ક્રિકેટ પ્રેમીઓનો મેળાવડો જોવા મળ્યો હતો. તો બીજી ઓસ્ટ્રેલિયાની ટીમ તાજ સ્કાયલાઈન હોટેલની બહાર નીકળી ત્યારે ગણ્યા ગાંઠ્યા લોકો જોવા મળ્યા હતા. બીજી બાજુ ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચ જોવા બ્લૂ જર્સીમાં લોકો ઉમટ્યા હતા. ફાઇનલ મેચનો ઉત્સાહ આજે ચરમસીમાએ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ફાઇનલનો ખરેખરો રંગ જામી ચૂક્યો હતો. સ્ટેડિયમની બહાર ફક્ત બ્લ્યૂ કલર જ જોવા મળ્યો હતો ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી રોડ પર સતત ફરતી દેખાઇ હતી અને રોડ પર વાહનો દ્વારા ક્યાંય દબાણ હોય તો દૂર કરવામાં આવ્યું હતું. મેચ જોવા આવેલા એક ગ્રુપના સભ્યએ તિરંગો પ્રિન્ટ કરેલા કપડાં પહેર્યા હતા જ્યારે એરપોર્ટ પર સેલિબ્રિટીઓનું સ્વાગત કરવા માટે એક યુવાને ઊંટ જેવી પ્રતિકૃતિ જેવું કોસ્ચ્યુમ પહેરતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સ્ટેડિયમની બહાર એક ચાહક નરેન્દ્ર મોદીનું કટઆઉટ લઈને પહોંચ્યો હતો ત્યારે પોલીસ લોકોને વારંવાર ભીડ ન કરો, લાઇનમાં  રહેવાની સૂચનાઓ આપતી જોવા મળી હતી. દરમિયાનમાં અમદાવાદમાં ફાઇનલ મેચને લઇને અમદાવાદન લાઇફલાઇન મેટ્રો ટ્રેન હાઉસફુલ જોવા મળી હતી. મેટ્રોમાં બેસલા માટે લોકોએ લાંબી લાઇનો લગાવી હતી. મુંબઈથી એક પરિવાર ખાસ અમદાવાદ આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ પરિવાર પોતાની કાર પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના પોસ્ટર્સ તેમજ ઉપરના ભાગે ટ્રોફી લગાવી અમદાવાદ ખાતે આવ્યો હતો. ગઈકાલે સવારે 10 વાગ્યે તેઓ મુંબઈથી કાર ચલાવી નીકળ્યા હતા. આ કાર સજાવટ કરવામાં બે દિવસનો સમય લાગ્યો હતો.

દરમિયાનમાં સ્ટેડિયમના ગેટ નંબર 1ની સામે કિર્તિધામ વસાહતમાં ટિકિટ મામલે મારામારી થઈ હતી. તો બીજી તરફ મુંબઈથી એક કપલ ખાસ ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ આવ્યું હતું, પરંતુ તેઓની પાસે ટિકિટ નથી. તેઓ સ્ટેડિયમની બહાર બે ટિકિટ જોઈએ છે, તેવા પોસ્ટર સાથે ઉભા જોવા મળ્યા હતા.

 

 

Sports

ભારતનું લક્ષ્ય શ્રેણી કબજે કરવી: આજે ત્રીજો T-20 પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયા પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ November 28, Tue, 2023

Crime

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ November 28, Tue, 2023