• શનિવાર, 27 જુલાઈ, 2024

સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં તારાજી સર્જાતા એક દિવસ વહેલો પૂર્ણ કરી દેવાયો

150થી વધુ સ્ટોલના મંડપ, અનેક હોર્ડિંગ-વોચ ટાવર ધરાશાયી થયા : મંડપ પડતા બે લોકો ઈજાગ્રસ્ત : પાથરણાવાળા, રેંકડી ધારકોને વ્યાપક નુકસાન 

(ફૂલછાબ ન્યુઝ)

વેરાવળ, તા.26 : આજે સવારે અચાનક જ વરસેલા કમોસમી વરસાદના પગલે સોમનાથ મંદિરના સાનિધ્યમાં ચાલી રહેલા કાર્તિકી પૂર્ણિમાના મેળાના સ્થળેથી તારાજીના દૃશ્યો સામે આવ્યા હતા. સંજોગોને ધ્યાને લઇ આજનો મેળો રદ કરવાની સોમનાથ ટ્રસ્ટે જાહેરાત કરીને મેળો એક દિવસ વહેલો આટોપી લેવાયો હતો. જે સમયે કમોસમી વરસાદ વરસી રહ્યો હતો ત્યારે જ ભારે પવન ફૂંકાયો હોવાથી મેળાના સ્થળે રહેલા અનેક સ્ટોલના કાપડ, હોર્ડિંગ ઉડી ગયા હતા તો અનેક મંડપ અને વોચ ટાવર ધરાશાયી થઈ ગયા હતા. મેળામાં સામાન વેચવા આવેલા વેપારીઓનો માલ સામાન પણ પલળી ગયો હતો જેથી મોટું નુકસાન થવાનો અંદાજ વ્યક્ત થઇ રહ્યો છે.

સોમનાથમાં ચાલી રહેલા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં વિવિધ ખાણીપીણી અને ચીજ વસ્તુઓ વેચાણના 150થી વધુ સ્ટોલને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. મોટાભાગના સ્ટોલના મંડપ જમીનદોસ્ત થયા હતા. મેળા સ્થળે પાણી ભરાઈ જવાની સાથે હવાના લીધે ઉડી ગયેલા હોર્ડિંગ અને ખાણીપીણીના માલસામાનો ગ્રાઉન્ડમાં વેરવિખેર થઈ ગયેલો નજરે પડતો હતો. જ્યારે સરકાર હસ્તકના ઇન્ડેક્સ સીના વિશાળ ડોમનું  કાપડ ફાટીને ઉડી જતા તેના સ્ટોલ ધારકોનો મોટો માલ-સામાન પલળી ગયો હતો.

ભારે વરસાદથી બચવા માટે અમુક પાથરણાવાળા એક સ્ટોલમાં આશરો લેવા ગયા હતા. ત્યારે તે સ્ટોલ જ ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે એક વૃદ્ધા સહિત ચારથી વધુ લોકો દબાયા હતા. જેઓને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યાં હતા. ત્યારે ઇજાગ્રસ્ત વૃદ્ધા સહિત બેને સારવાર માટે 108 મારફતે ખસેડવામાં આવ્યાં હતા.

મેળાના અંતિમ દિવસ આજે વહેલી સવારે કમોસમી વરસાદ અને તોફાની પવનના પગલે મેળાના ગ્રાઉન્ડમાં રહેલા સ્ટોલ, પોલ, ડોમ સહિતની વ્યવસ્થાઓને નુકસાન પહોંચ્યું છે. ત્યારે વેપારીઓ અને મેળામાં આવતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આજનો મેળો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પાંચ દિવસીય મેળો એક દિવસ વહેલો પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હોવાનું ટ્રસ્ટના જીએમ વિજયાસિંહ ચાવડાએ જણાવ્યું હતુ.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024