• શનિવાર, 10 જૂન, 2023

રાજ્યના 72 જળાશયમાં પૂરતી માત્રામાં પીવાનું પાણી હોવાનો સરકારનો દાવો !

ભુજ, બનાસકાંઠા અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ટેન્કરથી પાણી પૂરું પાડવાનું આયોજન 

અમદાવાદ, તા.24: (ફૂલછાબ ન્યુઝ) ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાનાં પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા પાણી વિતરણ માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 72 જળાશય આધારિત જે જૂથ યોજનાઓ પાણી મેળવે છે તે તમામ જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફત અત્યારે સરેરાશ 2100 એમ.એલ.ડી. જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે, તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળમાં રાજ્યના દરેક નાગરિકને પૂરતું પાણી મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા-કરાઈ હતી.

જે સંદર્ભે પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યના નર્મદા આધારિત 10,040 ગામ અને અન્ય સરફેસ સોર્સ આધારિત 4420 ગામને મળી કુલ 14,460 ગામને પાણી પુરવઠો પૂરો પાડવા 266 જૂથ યોજનાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.

જ્યારે બાકી રહેતા ગામો મિનિ યોજના, ટયુબ વેલ, કૂવા, હેન્ડ પમ્પ જેવા સ્થાનિક સોર્સ આધારિત સ્વતંત્ર યોજના મારફત પાણી મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં જરૂરિયાત જણાયે નવા 200 ડી.આર. બોર તેમજ 3000 જેટલા ડી.ટી.એચ. બોર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના અગરિયાઓને દરિયા કાંઠે પણ પીવાનું પાણી પૂરું પાડવા માટે ટેન્કરનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યત્વે દેવભૂમિ દ્વારકા, ભુજ, ભાવનગર, ગિર સોમનાથ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં ટેન્કરથી પાણી પૂરું પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.