અબ્દુલ મલિકને પોલીસે દિલ્હીમાં દબોચ્યો : 50 ઉપદ્રવી ઓળખાયા
નવી દિલ્હી, તા.11 : ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હદ્વાનીના વનભૂલપુરામાં ગેરકાયદે ધાર્મિક બાંધકામના ડિમોલીશન વખતે ટોળાને ઉશ્કેરી હિંસા ભડકાવી ફરાર થયેલો માસ્ટર માઈન્ડ અબ્દુલ મલિકને પોલીસે દિલ્હીમાં ઝડપી લીધો છે. આ પહેલા પોલીસે સપા નેતાના ભાઈ સહિત પાંચની ધરપકડ કરી હતી. હિંસામાં ભડકાવનાર તથા તેમાં સામેલ તત્ત્વો પર પોલીસે સખત કાર્યવાહી કરી છે. હદ્વાની હિંસામાં પથ્થરમારો, પેટ્રોલ બોંબ, ગેરકાયદે હથિયાર, આગજનીમાં સામેલ પ0 જેટલા ઉપદ્રવીઓની ઓળખ મેળવી કાર્યવાહી કરવામાં આવી છે. 1ર જેટલી અલગ અલગ ટીમ કામે લાગી છે જેમાં 4 ટીમ ખાસ ઉપદ્રવીઓની ઓળખ મેળવવામાં લાગેલી છે. માસ્ટર માઈન્ડ સહિત આરોપીઓને ઝડપી લેવા દિલ્હી, એનસીઆર, યુપી, હરિયાણા વગેરેમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં હિંસા ભભૂકી હતી તે વનભૂલપુરામાં પણ ભારે બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.