• શનિવાર, 27 જુલાઈ, 2024

કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો

રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાઘવજી પટેલના પરિવાર તેમજ ડોક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી: રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે 

રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા નેતાઓનો જમાવડો

રાજકોટ, તા.11: ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને જામનગરથી રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. રાઘવજી પટેલ અત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિ મંત્રાલય સંભાળે છે. તેમની તબિયત અચાનક લથડયા પછી તેમને રાજકોટ લઈ જવાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે ડોક્ટરો સાથે વાતચીત કરી છે.

રાઘવજી પટેલને હાલમાં ડોક્ટરનાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. તેમની તબિયત સ્થિર હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. રાત્રે લગભગ 3થી 4 વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ન્યુરોસર્જન ડૉ. સંજય ટીલાળા તેમને સારવાર આપી રહ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઇનોર બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તાજેતરમાં જામનગર હતા અને જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં જોડાયા હતા. આ દરમિયાન મોડી રાત્રે તેમને માઇનર બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાએ તેમના હેલ્થ અપડેટ આપતા જણાવ્યું કે, વહેલી સવારે સિનરજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં રાઘવજીભાઈ પટેલ તબિયત સ્થિર છે. રાઘવજીભાઈનું બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે.

સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે રાઘવજી પટેલને દિમાગની જમણી બાજુએ હેમરેજ થયું છે. શનિવારે રાતે લગભગ 10.30 વાગ્યાની આસપાસ તેમને સ્ટ્રોક આવ્યો હતો. તેમને જામનગરની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર પછી તેમને રાજકોટ અમારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રવિવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે તેમને રાજકોટની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા અને તેમને આઇસીયુમાં સારવાર અપાઈ રહી છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે.

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ખબરઅંતર પૂછવા માટે આજે વહેલી સવારથી નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. કેબિનેટ મંત્રી મૂળુ બેરા રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા માટે સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ થોડા સમય પહેલા જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સાથે સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય દર્શિતાબેન સહિતના નેતાઓ રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટંકારાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને તેઓ હોસ્પિટલ ખાતે રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા આવે તેવી શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024