• શનિવાર, 27 જુલાઈ, 2024

‘ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ બનશે ‘ટેસ્ટ ઓફ વર્લ્ડ’!

મોદીની ‘ગેરન્ટી’: અમૂલને વિશ્વની નંબર વન ડેરી બનાવીશું : અમદાવાદના સ્ટેડિયમ ખાતે અમૂલ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીમાં સામેલ થતાં વડાપ્રધાન

વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ: મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના

રાજ્યમાં કુલ 57 હજાર કરોડના કામો વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતા પીએમ

અમદાવાદ, તા.22: ગુજરાત પ્રવાસે પહોચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રૂ.57 હજાર કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું, વડાપ્રધાને સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યા તેમણે અમૂલ ડેરીને વિશ્વની નંબરવન ડેરી બનાવવાનો સહયોગ આપવાની ‘ગેરેન્ટી’ આપી હતી. બાદમાં પીએમએ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી અત્રે આયોજિત એક જાહેરસભામાં તેમજ નવસારી ખાતે વિવિધ વિકાસકાર્યોની ભેટ શહેરીજનોને આપી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કાટિંગ ફેડરેશન (ઋઈખખિ)ની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીમાં હાજરી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 50 વર્ષ પહેલા ગુજરાતનાં ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈ છે. અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી છે.

વડાપ્રધાને ઉમેર્યું હતું કે, આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની  પરંતુ અમૂલનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે, અમૂલ જેવું કોઈ નહીં એમ કહેતા વડાપ્રધાને કહ્યું કે, આજે અમૂલ દેશના પશુપાલકોનાં સામર્થ્યની ઓળખાણ બની ગયું છે. અમૂલ અને શ્વેતક્રાંતિની સફળતાની વાત કરતાં દેશનાં પશુધનનાં યોગદાનને યાદ કરીને વડાપ્રધાને પશુધનની વંદના કરી હતી. અમૂલને એક બ્રાન્ડની સફળતાનો ઉત્તમ પર્યાય ગણાવતા વડાપ્રધાને જણાવ્યું કે, અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે લોકભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તીકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાની સ્વીકાર્યતા, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટાં સપનાં, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ.

અમૂલના ઉદ્ભવ અંગે વાત કરતા મોદીએ જણાવ્યું કે, અમૂલનો પાયો  સરદાર વલ્લભભાઈ પટેલનાં માર્ગદર્શનમાં ખેડા મિલ્ક યુનિયન સ્વરૂપે નખાયો હતો. સમયની સાથે સાથે ડેરી સહકારિતા ગુજરાતમાં વ્યાપક ક્ષેત્રે ફેલાઈ અને ક્રમશ: ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કાટિંગ ફેડરેશનનું નિર્માણ થયું. આજે પણ અમૂલ સરકાર અને સહકારના તાલમેળનું ઉત્તમ ઉદાહરણ છે,           ઋઈખખિ અને અમૂલે સાધેલા વિકાસ અંગે વધુમાં વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, દૂરંદેશી વિચારો સાથે લીધેલા નિર્ણયો કેવી રીતે આવનારી પેઢીનું ભાગ્ય બદલી શકે તેનું ઉત્તમ ઉદાહરણ અમૂલ છે. આજે અમૂલ જે સફળતાની ઊંચાઈ પર છે તે ફકત મહિલાશક્તિનાં કારણે છે. આજે જ્યારે ભારત વિમેન લેડ ડેવલોપમેન્ટના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના ડેરી સેક્ટરની આ સફળતા દેશ માટે મોટી પ્રેરણા બની રહેશે.

નારીશક્તિનાં સશક્તીકરણ પર ભાર મૂકી વડાપ્રધાને કહ્યું હતું કે, દેશને વિકસિત બનાવવા માટે દેશની પ્રત્યેક મહિલા આર્થિક રીતે સશક્ત બને તે જરૂરી છે. એટલે જ, અમારી સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધે તે દિશામાં કામ કરી રહી છે. મહિલાઓની આર્થિક શક્તિ વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. મુદ્રા લોન હોય કે પીએમ આવાસ યોજના, દરેક યોજનામાં નારીશક્તિને અગ્રતા આપવામાં આવી રહી છે.

ખેડૂતોના વિકાસ માટે કરવામાં આવેલાં કાર્યો વિશે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, ખેડૂતોનું જીવન કેવી રીતે સારું બને તે હંમેશાંથી અમારો લક્ષ્યાંક રહ્યો છે. પશુપાલનનો વ્યાપ કેવી રીતે વધે, પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે, ગામોમાં પશુપાલનની સાથે માછલીપાલન અને મધમાખી પાલનને કેવી રીતે પ્રોત્સાહન આપવું એ દિશામાં અમે સતત પ્રયાસરત છીએ. અમારી સરકાર અન્નદાતાને ઊર્જાદાતા બનાવવાની સાથે સાથે ઉર્વરકદાતા (ખાતરદાતા) બનાવવા પર ભાર મૂકી રહી છે.

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ સાથે સમગ્ર સ્ટેડિયમમાં ચક્કર લગાવીને ઉપસ્થિત ખેડૂતો, પશુપાલકો અને સહકારી અગ્રણીઓનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કાટિંગ ફેડરેશન હેઠળના વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું હતું. જેમાં સૌ પ્રથમ અમૂલ ડેરી, આણંદના નવા ઓટોમેટિક યુએચટી મિલ્ક પ્લાન્ટ, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચીઝ પ્લાન્ટ અને મેન્યુફેક્ચારિંગ પ્લાન્ટ, કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઓટોમેટિક આઇક્રીમ પ્લાન્ટ તથા ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. હેઠળ ડેરી પ્રોસાસિંગ પ્લાન્ટ, નવી મુંબઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના રાજકોટ ડેરી વિકાસ પરિયોજનાનું પણ ઇ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઋઈખખનો સ્મૃતિ કોઇન(સિક્કો) પણ વડાપ્રધાનના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો. અમૂલના આઇકોનિક ગીત પર સુંદર સાંસ્કૃતિક કૃતિ પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવી હતી, જેમાં 500 જેટલા કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી એક લાખથી વધુ ખેડૂતો, દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ સહિત પશુપાલકો આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા.

ગુજરાતની ડેરી-સહકારી ચળવળો શ્રેષ્ઠ મોડલરૂપ બની છે: મુખ્યમંત્રી

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ડેરી-સહકારી ચળવળો મોડલરૂપ બની છે. વર્ષ 1946માં 15 ગામડાઓમાં નાની-નાની ડેરીના સભાસદથી શરૂ થયેલી એ ચળવળો આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કાટિંગ ફેડરેશન અંતર્ગત 36 લાખ દૂધ ઉત્પાદકો સાથે સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે. દૂધના વેપારમાંથી જે લાભ મળે એ દરેક ઉત્પાદકોને સમાન મળે અને એકબીજા વચ્ચે સ્પર્ધાનું તત્ત્વ દૂર થાય તેમજ વ્યાપક ફલક પર વિકાસ થાય એ માટે 1973માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કાટિંગ ફેડરેશન કાર્યરત થયું હતું અને આજે રાજ્યના દરેક જિલ્લાના દૂઘ ઉત્પાદન સંગઠનો તેના સભ્યો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, બે દાયકામાં દૂધ ઉત્પાદક સંધોની સંખ્યા બમણી એટલે કે 12થી વધીને 23 થઈ છે. 36 લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જોડાયેલા છે અને એમાંય 11 લાખ જેટલી નારીશક્તિ છે. સમગ્ર ગુજરાતમાં 16,384 દૂધ મંડળીઓમાંથી 3300 જેટલી મંડળીઓનો સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે. આમ લાખો રૂપિયાની આવક આ નારી શક્તિ મેળવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024