• મંગળવાર, 23 એપ્રિલ, 2024

ઉનાળુ બાજરીનું વાવેતર ઘટયું, મગફળી - તલના પાકમાં પ્રગતિ

-ગુજરાતભરમાં ઉનાળુ વાવેતર સામાન્ય કરતા 11 ટકા ઓછું થયું

રાજકોટ, તા.1(ફૂલછાબ ન્યૂઝ): જાડાં ધાન્યોના રોજિંદા આહારમાં ઉમેરણની ઝુંબેશ વચ્ચે ગુજરાતમાં ઉનાળુ બાજરીનાં વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. ઉનાળુ બાજરીનું વાવેતર ગુજરાતમાં વર્ષોથી સારી પેઠે થતું આવ્યું છે. વરસાદનો ભય રહેતો નથી અને રંગદાર બાજરી પાકતી હોય છે એટલે ખેડૂતોએ ઉનાળામાં વાવણી વધારી હતી પણ આ વર્ષે ભાવમાં તેજી ન થઈ શકતા વાવેતર થોડું પાછળ રહી ગયું છે.

ગુજરાત સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે બાજરીનું વાવેતર 2.62 લાખ હેક્ટરમાં થયું છે, જે પાછલાં વર્ષના 2.70 લાખ હેક્ટર કરતા ઓછું છે. રાજ્યમાં સરેરાશ વાવેતર 2.90 લાખ હેક્ટરમાં થતું હોય છે. આમ 10 ટકાનો વાવેતર વિસ્તાર ઘટયો છે.

ગુજરાત રાજ્યમાં ઉનાળુ પાકોનું કુલ વાવેતર 9.98 લાખ હેક્ટરમાં થયું છે, જે પાછળના વર્ષમાં

1 એપ્રિલના 10 લાખ હેક્ટરમાં હતું. જોકે સરેરાશ થતા 11 લાખ

હેક્ટર કરતા તેમાં 11 ટકાનો ઘટાડો થયો છે.

જાડાં ધાન્યોમાં મકાઇનું વાવેતર 6732 હેક્ટરમાં થયું છે. જે પાછલાં વર્ષ જેટલું છે. જોકે સરેરાશ કરતા 6 ટકાનો વધારો થયો છે. ધાન્ય પાકોમાં ઉનાળુ ડાંગરનો વિસ્તાર 93 હજાર હેક્ટર છે, જે આગલા વર્ષના 78 હજાર હેક્ટર કરતા વધારે છે.

ઉનાળુ કઠોળમાં મગનું વાવેતર 41 હજાર હેક્ટરમાં થયું છે. જે સરેરાશ 58 હજાર હેક્ટર કરતા ઓછું છે. અડદનો વિસ્તાર 21,167 સરેરાશ સામે 20,611 હેક્ટર છે. કઠોળના ભાવ ઊંચા રહેવાને પગલે વાવણી વધારે થઈ છે.

મગફળીના ભાવ ઘટયા પછી લાંબા સમયથી સ્થિર છે અને ખરીફ પાકના સ્ટોક પણ મોટાં પ્રમાણમાં પડયા હોવા છતાં ખેડૂતોએ પાછલાં વર્ષ કરતા વધારે વાવણી કરી છે. ગુજરાતમાં 51,800 હેક્ટરમાં વાવણી થઈ છે, જે પાછલા વર્ષમાં 47 હજાર હેક્ટરમાં હતી. તલનું વાવેતર પાછલાં વર્ષ કરતા સહેજ વધીને 1.61 લાખ હેક્ટર થયું છે.

ડુંગળીમાં મંદી છતાં વાવેતર 10 હજાર હેક્ટર કરતા વધારે વિસ્તારમાં છે. શેરડીનો વિસ્તાર 9700 હેક્ટર છે જ્યારે શાકભાજીનું વાવેતર 87 હજાર હેક્ટરમાં અને ઘાસચારાનું 2.94 લાખ હેક્ટરમાં વાવેતર છે.

સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર પાણીની સમસ્યા હવે ઉનાળાના આરંભમાં ડોકાવા લાગી છે. જોકે જ્યાં વાવેતર થયા છે તે કેનાલ - ડેમ વિસ્તારમાં છે છતાં કૂવાની સિંચાઈ હોય તેવા ઠેકાણે પણ વાવેતર થયાં છે. અંતિમ ચરણમાં પિયતની મુશ્કેલી સર્જાઈ શકે છે.

---

 

ઇ-પેપરના નવા શુલ્ક