• શનિવાર, 27 જુલાઈ, 2024

‘રૂપાલાની ટિકિટ રદ કરો’ : અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન

બત્રીસી ભવનથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ : વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઈ

અમદાવાદ, તા.2: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનો આક્રોશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે સવારે અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયોએ રસ્તા પર ઉતરી શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવા માગણી કરી રહ્યા છે.

આજે સવારથી અમદાવાદમાં ક્ષત્રિયો રૂપાલા હટાવો, દેશ બચાવોના સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા હતા. અમદાવાદ કલેક્ટર કચેરી પર સવારે ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનના લોકો પહોંચ્યા હતા. સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. રૂપાલાને હટાવવાની ઉગ્ર માગ કરવા સાથે ક્ષત્રિય મહિલાઓએ જૌહર કરવાની તૈયારી બતાવી હતી. ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શનને જોતા સવારથી જ અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર 200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

અમદાવાદ કલેક્ટર કચેરી જતા પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. અમદાવાદના બત્રીસી ભવનથી કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ હતી. આ રેલીમાં 1 હજારથી વધુ ક્ષત્રિયો જોડાયા હતા. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે, ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ અનિચ્છનીય કોમેન્ટ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓનું હળહળતું અપમાન કર્યું છે. ભાજપ જે રામનાં નામે વોટ માગે છે, તે રામ પણ ક્ષત્રિય હતા. તે વાત કદાચ રૂપાલા ભૂલી ગયા છે.

રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે જ ક્ષત્રિય સમાજની માગણી છે. આ મામલે સરકાર મિટિંગો કરી રહી છે, પરંતુ તે મિટિંગોમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવાયા નથી. તેથી સરકાર સાથે કોઈપણ સંજોગોમાં સમાધાન કરવામાં આવશે નહીં. રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે તો ક્ષત્રિય સમાજ વિરોધ કરશે.

સમાજના મહિલા આગેવાને જણાવ્યું હતું કે અમારી સ્પષ્ટ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેની જગ્યાએ અન્ય કોઈપણ સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. રૂપાલા ચૂંટણી લડશે તો ક્ષત્રિય સમાજ વિરોધ કરશે. ક્ષત્રિય સમાજના ઈતિહાસથી સૌ કોઈ વાકેફ છે. ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર પણ કર્યું છે. આજે કળિયુગમાં પણ જરૂર પડે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ જૌહર કરવા પણ તૈયાર છે. આખરે મહિલાઓને સાથે રાખી ક્ષત્રિય આગેવાનોએ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ક્ષત્રિય સમાજે લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ પહેલા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024