• મંગળવાર, 30 એપ્રિલ, 2024

દિલ્હી, યુપી સહિતના રાજ્યોમાં થશે ભારે વરસાદ : ગુજરાત, રાજસ્થાન માટે ચિંતા

હવામાન વિભાગના લાંબા ગાળાના અનુમાન મુજબ ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતા ઓછા વરસાદની સંભાવના

 

નવી દિલ્હી, તા. 15 : હવામાન વિભાગે આગાહી કરી છે કે ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં વાદળો ખુબ ગરજશે અને દેશભરમાં સરેરાશ 87 સેન્ટીમીટર વરસાદ થશે. હવામાન વિભાગે નેઋત્યના ચોમાસાનું અનુમાન વ્યક્ત કરતા કહ્યું હતું કે, ચોમાસાની ઋતુ એટલે કે જુનથી સપ્ટેમ્બર વચ્ચે સામાન્યથી વધારે (106 ટકાથી વધુ) વરસાદ થવાનું અનુમાન છે. જો કે રાજસ્થાન, ગુજરાત સહિતના ઉત્તર પશ્ચિમી રાજયોમાં વરસાદ સામાન્યથી ઓછા વરસાદની આશંકા છે. આઈએમડીએ કહ્યું છે કે વર્તમાન સમયે અલ નીનો ભૂમધ્યરેખા પાસે પ્રશાંત ક્ષેત્રમાં છે. જે ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.

હવામાન વિભાગ અનુસાર અલ નીનો કમજોર પડતા ચોમાસાની ઋતુમાં લા નીનાનો પ્રભાવ વધશે. જેના કારણે દેશભરમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડી શકે છે. ચોમાસાના લાંબા ગાળાના પૂર્વાનુમાનની જાણકારી આપતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને કહ્યું હતું કે 1971થી 2020 સુધીના વરસાદના આંકડાના આધારે લાંબા ગાળાનો અંદાજ લગાડવામાં આવ્યો છે. રવિચંદ્રન અનાર એક જૂનથી 30 સપ્ટેમ્બરના ચાર મહિનામાં દેશભરમાં સરેરાશ 87 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે. 106 ટકાના અનુમાનમાં 5 ટકા વધુ ઓછું થઈ શકે છે. આ સાથે આઈએમડીએ કહ્યું છે કે દેશભરમાં મોટાભાગના હિસ્સામાં સામાન્ય વરસાદ થઈ શકે છે પણ ઉત્તર પશ્ચિમી રાજ્યો એટલે કે રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને જમ્મુ કાશ્મીર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળનો અમુક હિસ્સો અને પૂર્વોત્તરના અમુક રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે. સામાન્યથી વધારે વરસાદની સંભાવના 29 ટકા છે.

હવામાન વિભાગના આંકડા અનુસાર છેલ્લા 22 લા નીના પ્રભાવના વર્ષોમાં સામાન્યથી વધુ અથવા સામાન્ય વરસાદ નોંધાયો છે. જો કે 1974 અને 2000નું વર્ષ અપવાદ રહ્યા હતા. જ્યારે લા નીનાના પ્રભાવ છતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. અલ નીનો અને લા નીના એક હવામાન પેટર્ન છે. જે મહાસાગરમાં તાપમાનની સ્થિતિ અનુસાર બને છે. અલ નીનોના પ્રભાવમાં સમુદ્રની સપાટીનું તાપમાન વધારે હોય છે અને વરસાદ ઓછો પડે છે. જ્યારે લા નીનાની અસર ઉલટ રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક