• મંગળવાર, 30 એપ્રિલ, 2024

રાજકોટમાં આજે રૂપાલા શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે

બહુમાળી ચોક ખાતે જનસભાને સંબોધ્યા બાદ બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભરશે

રાજકોટ, તા.16 : ગુજરાત લોકસભાની 26 બેઠક તેમજ વિધાનસભાની પાંચ બેઠક માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આવતીકાલે તા.16ને મંગળવારે વિજયમુહૂર્તમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે.

રૂપાલા આવતીકાલે શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલાં જાગનાથ મંદિરે સવારે 9 કલાકે દર્શન અને પૂજન કર્યાં બાદ બહુમાળી ચોક સુધી રેલી કાઢવામાં આવશે અને અહીં એક જાહેરસભાને સંબોધશે જેને વિજય વિશ્વાસ સંમેલન નામ આપવામાં આવ્યું છે. રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ (જુઓ પાનું 10)

રૂપાણી અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહેશે. હાલ સભાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ માટે વિશાળ સ્ટેજ ઉભું કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકરો, આગેવાનો બહોળી સંખ્યામાં આ સભામાં ઉપસ્થિત રહેશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

સભા પૂર્ણ થયાં બાદ ફરી બહુમાળી ભવન ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડમાં વિવિધ મોરચા અને સેલના આગેવાનો દ્વારા રૂપાલાનું સ્વાગત કરવામાં આવશે. ફોર્મ ભરતી વખતે ત્રણ મોટર અને પાંચ વ્યક્તિથી વધુ હાજર ન રહી શકે તેવા ચૂંટણી અધિકારીનાં જાહેરનામાનાં પગલે તેઓ ફોર્મ ભરવા જશે ત્યારે તેમની સાથે કેબિનેટ મંત્રીઓ કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, સાંસદ મોહન કુંડારિયા, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, રૂપાલા આવતીકાલે બપોરે 12.39 વાગ્યે વિજયમુહૂર્તમાં ફોર્મ ભરશે. હાલ રૂપાલા સામે  ક્ષત્રિય સમાજમાં રોષનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ગઈકાલે રતનપર ખાતે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે લાખોની સંખ્યામાં ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી આવેલા ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જો કે, રૂપાલા સામે ભલે રાજપૂતોમાં નારાજગી હોય, હાલ ભાજપે જાહેર કરેલા 40 સ્ટાર પ્રચારકની યાદીમાં રૂપાલાને પણ સ્ટાર પ્રચારક બનાવી દેવામાં આવ્યા છે જે આડકતરો ઈશારો કરે છે કે, રાજકોટમાં તો રૂપાલા જ રહેશે. ક્ષત્રિય સમાજે ભાજપને 19 તારીખનું અલ્ટીમેટમ આપ્યું છે, કારણ કે એ દિવસે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. અત્યારે અવનવી વાતો સામે આવી રહી છે ત્યારે હવે જોવાનું એ છે કે, 19મી તારીખે કોઈ ફેરફાર થાય છે ખરા ?

 

રૂપાલાએ પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના દર્શન કર્યા

બોટાદ, તા.15: બોટાદ જિલ્લાના પાળિયાદ વિસામણ બાપુની જગ્યા ખાતે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જગ્યાના દર્શન કર્યા હતા. રૂપાલાનો ચૂંટણીમાં ભવ્ય વિજય થાય તે માટે તેઓએ વિહળાનાથની જગ્યા મહંત મહામંડલેશ્વર 1008 નિર્મળાબા, આઈ દેવલ આઈ શક્તિધામ બલિયાવડ, ભયલુ બાપુ સહિત સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા. આ તકે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિંદુ ધર્મ સેનાના ભયલુ બાપુ દ્વારા રૂપાલાનું સાલ ઓઢાડી ફૂલહાર કરી સ્વગાત કરવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક