• મંગળવાર, 30 એપ્રિલ, 2024

કપાસમાં મંદી છવાઈ જતાં ખેડૂતોમાં ભારે નિરાશા

અમેરિકાની અસરથી રચાયેલું તેજીનું ફૂલગુલાબી ચિત્ર બગડી ગયું : મહિનામાં મણે રૂ. 100 ઘટયા

 

રાજકોટ, તા. 15(ફૂલછાબ ન્યૂઝ) : અમેરિકન કોટન વાયદામાં આક્રમક 104 સેન્ટ સુધીની તેજી દોઢ માસ પૂર્વે થઈ જતાં કપાસના સ્થાનિક ખેડૂતો મંદીમાંથી બહાર આવી ગયા હતા. જોકે બહુ ટૂંકાગાળામાં ફરી નિરાશામાં સરી પડયા છે. કપાસના ભાવ મહિનામાં રૂ.100 અને ઊંચાઈએથી રૂ. 150 જેટલા ઘટી જવાને લીધે તેજીમાં ન વેચી શકનારા ખેડૂતો માટે કપાસ હવે શીરદર્દ બની ચૂક્યો છે. નવાં વાવેતર જૂનમાં શરૂ થાય ત્યારે એમાં મોટો કાપ આવે એવી શક્યતા દેખાવા લાગી છે.

ફેબ્રુઆરી મહિનાના અંતભાગમાં ન્યૂયોર્કમાં મે મહિનાનો કોટન વાયદો 104 સેન્ટનું બે વર્ષનું ઊંચું સ્તર મેળવી ગયા પછી ખેડૂતો ખૂબ તેજીમાં આવી ગયા હતા. જોકે ત્યાં તેજીનો ફિયાસ્કો થઈ જતા કપાસના ભાવ ઘરઆંગણે પણ ટકી શક્યા નથી. અત્યારે ન્યૂયોર્ક વાયદો 83-84 સેન્ટ છે. જે ગયા મહિને 94 સેન્ટ હતો. વિદેશમાં આવેલી તેજી સટ્ટોડિયાઓની ભારે વેચવાલીમાં તણાઇ પણ તાત્કાલિક ગઈ છે. દોઢ માસમાં વિદેશી બજાર 20 સેન્ટ તૂટી પડી છે. હવે તેજીની સંભાવનાય ઘટી

ગઈ છે.

જોકે વિદેશની પાછળ આપણે ત્યાં કપાસ એક તબક્કે રૂ. 1700 સુધી પહોંચ્યા પછી અત્યારે રૂ. 1500-1550માં માંડ માંડ ખપે છે. હજુ ગયા મહિને 15મી તારીખે રૂ. 1625-1650 હતો. કપાસના સ્ટોક હવે ગુજરાતમાં 15-20 લાખ ગાંસડી કરતા વધારે નહીં હોય છતાં પણ બજાર ઢીલી છે. માર્કેટ યાર્ડમાં કપાસની આવક હવે માત્ર 70 હજાર મણ જેટલી આવે છે, જે ગયા મહિનાના આ સમયગાળા કરતા અર્ધી છે.

 કપાસની પાછળ સંકર રૂની ગાંસડીમાં ખાંડીએ રૂ. 1500 નીકળી જતા રૂ.59,000-59,400ના ભાવ થઈ ગયા છે. યાર્ન મિલોની ખરીદી સાધારણ છે પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ તેજી-મંદી માટે અગાઉ ખરીદી કરી ગઈ હતી તેની ભારે વેચવાલીથી ગાંસડીના ભાવ તૂટયા છે. સીસીઆઇની વેચવાલી છે પણ ખપત ઓછી છે.

રૂ બજારના અગ્રણીઓ કહે છે કે, ઘરેલુ બજારમાં તેજીના કોઈ ફંડામેન્ટલ ન હતા પણ અમેરિકાને લીધે બજાર વધી ગઈ હતી. ત્યાં કસમયની તેજી પછી અત્યારની મંદી અતિરેકભરી છે. હવે કદાચ બજાર વધે તો પણ કપાસમાં ખાસ સુધારો થવો મુશ્કેલ છે. માલના સ્ટોક ગુજરાતમાં મર્યાદિત છે છતાં હવે ટૂંકી વધઘટમાં આખી સીઝન પસાર થઈ જાય તેમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક