• સોમવાર, 27 મે, 2024

લોકોની સંપત્તિના સર્વેની કોંગ્રેસની યોજના મોદીએ છતી કરતાં ઘમાસાણ

બાંસવાડાના સભામાં વડાપ્રધાનના આક્ષેપથી કોંગ્રેસ રોષિત : આચારસંહિતાના ભંગનો કોંગ્રેસનો આક્ષેપ

 

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 22 : દેશની 18મી લોકસભા ચૂંટણી પહેલાં આ સત્તાનો સંગ્રામ પરાકાષ્ટાએ પહોંચ્યો હોવાની પ્રતીતિ સોમવારે થઈ હતી. દેશના સંસાધનો પર પહેલો હક્ક લઘુમતી સમુદાયનો છે, તેવા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના નિવેદનને ટાંકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રવિવારે રાજસ્થાનના બાંસવાડામાં એક ચૂંટણી સભા દરમ્યાન કરેલાં નિવેદન પર સોમવારે રાજકીય ઘમસાણ સર્જાયું હતું. કોંગ્રેસની સરકાર આવશે તો લોકોની સંપત્તિઓ કબજે કરીને ‘વધુ બાળકોવાળા’ અને ઘૂસણખોરોને  આપી દેશે, તેવું નિવેદન કરનારા વડાપ્રધાન મોદી વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદમાં કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘િવભાજનકારી’ અને ‘દુર્ભાવનાપૂર્ણ’ નિવેદન આપીને આદર્શ આચારસંહિતનો ભંગ કર્યો છે, તેવો આરોપ કોંગ્રેસ મૂક્યો હતો.

પરંતુ ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના હુમલાનો વળતો જવાબ આપતાં કહ્યું હતું કે, એ પક્ષનાં ઢંઢેરામાં આવો ઉલ્લેખ છે જ. શ્રી મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસે લોકોની સંપત્તિ લઘુમતીઓને વહેંચવાનું આયોજન ઘડી કાઢયું છે.

બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદીને મળવાનો સમય માગતા કટાક્ષપૂર્વક કહ્યું હતું કે, વડાપ્રધાન કોંગેસના ચૂંટણી ઢંઢેરાને સમજી શક્યા નથી અમે સમજાવવા માગીએ છીએ.

ચૂંટણીપંચ પાસે પહોંચીને વડાપ્રધાન મોદી વિરુદ્ધ ફરિયાદ કરનારા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળમાં સામેલ વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, અમે કુલ 17 ફરિયાદ કરી છે.

સિંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન હોય, તેમણે આ પ્રકારનું નિવેદન કરવું ન જોઈએ, એક સમુદાયનું નામ લેતાં એ સમુદાયને તેમણે ઘૂસણખોર ગણાવ્યો છે. વડાપ્રધાનના પદ પર બેઠેલી એક વ્યક્તિએ જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ 123નો ભંગ કર્યો છે. ભારતીય બંધારણની અસ્મિતા પર પ્રહાર કર્યો છે.

કોંગ્રેસ મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, અમારા પક્ષના નેતાઓ દ્વારા લોકસભા બેઠકોના ઉમેદવારો તરફથી ઘોષણાપત્રની નકલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલાશે.

એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસે એવું પણ કહ્યું હતું કે, પક્ષ એક લાખ લોકોના હસ્તાક્ષરો કરાવીને પણ એક અરજી ચૂંટણીપંચને કરશે.

વેણુગોપાલે કહ્યું હતું કે, વડાપ્રધાને જે કહ્યું છે તે અમારા ઘોષણાપત્રમાં નથી. મોદી મતો માટે સાંપ્રદાયિક ધ્રુવીકરણની કોશિશ કરી રહ્યા છે, તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.

શું ચૂંટણીપંચે વડાપ્રધાનને દરેક વાત પર ખોટું બોલવાની અનુમતિ આપી છે. ચૂંટણીપંચ દરેક વાતમાં હસ્તક્ષેપ કરે છે તો આ મુદ્દે મૌન કેમ છે, તેવા સવાલો તેમણે ઉઠાવ્યા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે, વડાપ્રધાનના જૂઠાણાનું સ્તર એ હદે નીચું ગયું છે કે, ગભરાઈને જનતાના મુદ્દા ભટકાવવા માગે છે.

દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ છત્તીસગઢનાં કાંકેરમાં એક જાહેરસભાને સંબોધતા આ મામલે નિવેદન કર્યું છે. શાહે પૂછયું છે કે, ઘોષણાપત્રમાં સર્વેની વાત કરવામાં આવી છે કે નહીં ?  કોંગ્રેસ ફક્ત એટલા માટે ચિડાઈ ગઈ છે કારણ કે, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે પોતાનાં ઘોષણાપત્રમાં તમામની સંપત્તિના સર્વેક્ષણની વાત કરી છે. મોદીએ કહ્યું હતું કે, સર્વેક્ષણ શા માટે કરવું છે ? આજે આખી કોંગ્રેસ આ મામલે વડાપ્રધાન સામે સવાલ કરી રહી છે. તેમને પૂછવામાં આવે છે કે, ઢંઢેરામાં સર્વેની વાત છે કે નહીં ? પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહેલું કે, સંસાધનો ઉપર પ્રથમ હક્ક લઘુમતીનો છે. આદિવાસીઓ અને અનુસૂચિત વર્ગોનો નહીં.

બીજીબાજુ કોંગ્રેસના નેતા જયરામ રમેશે ‘એક્સ’ સોશિયલ મીડિયા ઉપર ટ્વિટ કરતા લખ્યું હતું કે, વડાપ્રધાનની ઝેરીલી જબાનમાં દુનિયાભરની વાતો બોલે છે. તેમણે એક સીધા સવાલનો જવાબ પણ આપવો જોઈએ કે 19પ1થી દર દસ વર્ષે વસ્તીગણતરી થાય છે અને તેનાથી અનુસૂચિત જાતિ અને જનજાતિની વાસ્તવિક સ્થિતિ જાણવા મળે છે. તે 2021માં કરાવવાની આવશ્યકતા હતી, પણ હજી સુધી વસ્તી ગણતરી કરાઈ નથી. આ મુદ્દે વડાપ્રધાન કેમ ચૂપ છે? આ બાબાસાહેબ આંબેડકરના સંવિધાનને ખતમ કરવાનું ષડયંત્ર છે.

દરમિયાન સૂત્રોના હવાલેથી એવા અહેવાલો પણ આવી રહ્યાં છે કે, કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પાસે મળવાનો સમય માગ્યો છે. માનવામાં આવે છે કે, તે મોદીને ઘોષણાપત્રની જાણકારી આપવા માગે છે. કોંગ્રેસ મોદી ઉપર દેશની જનતાને ગુમરાહ કરવાનો આરોપ લગાવી રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક