• શનિવાર, 27 જુલાઈ, 2024

મિનિ વાવાઝોડા સાથે વરસેલાં માવઠાએ ઠેર ઠેર તારાજી સર્જી

મિનિ વાવાઝોડાનાં કારણે કેરી ખરી પડી : તલ, બાજરી, જુવાર, પપૈયા, મગ, ડાંગર, કેળના પાકને નુકસાન: વૃક્ષો-હોર્ડિંગ્સ, વીજપોલ તૂટી પડવાના સંખ્યાબંધ બનાવો

ક્ષ          માવઠાથી થયેલાં નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા માગ

ક્ષ          આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદ પડયો

ક્ષ          દ્વારકા જિલ્લાના માછીમારોને સલામત સ્થળે ખસી જવા આદેશ

રાજકોટ, અમદાવાદ, તા.14 : ગુજરાતમાં અત્યારે ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી 40-42 ડિગ્રી ગરમીની વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું તૂટી પડયું હતું. આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત કમોસમી વરસાદ પડયો છે. ગતરોજ ભારે પવનની સાથે વરસાદ તૂટી પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં તેમજ મકાનો, દુકાન ઉપર રાખેલાં પતરાં, બોર્ડ પણ ઉડયાં હતાં. માવઠાને કારણે ખેતીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ક્યાંક પવનનાં કારણે કેરીઓ ખરી પડી તો ક્યાંક કરાનાં કારણે કેરીનાં ફળ પર ચાંદા પડી જતાં પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભર ઉનાળે માવઠાને કારણે ખેડૂતોને તૈયાર પાકમાં નુકસાન વેઠવું પડયું છે. ગુજરાતમાં અનેક સ્થળે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સોમવારે વરસેલા (જુઓ પાનું 10)

કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોના ઉનાળુ બાજરી સહિતના પાકને નુકસાન થયું છે. ઉપરાંત ડભોઇના વસઇ ગામે વરસાદથી ડાંગર અને જુવારનો પાક પલળ્યો છે. આ સાથે જ 1500 વીઘામાં જુવારના પાકે નુકસાનની ભીતિ છે. પવનનાં કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં અલ્હાબાદ મુંબઈ ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. કોઇમ્બતુર- મુંબઈ ફ્લાઇટ, દુબઈ-મુંબઈ ફ્લાઇટ અને મેંગલોર-મુંબઈ ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. તો કેટલીક ફ્લાઇટોની ઉડાનમાં પણ વિલંબ થયો હતો.

તાલાલા ગીર : સોમવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ સાથે બપોરે અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે 12:00 વાગ્યા બાદ મિનિ વાવાઝોડા સાથે હળવો વરસાદ પડયો હતો. અચાનક તેજ ગતિએ પવન શરૂ થતાં ધૂળની ડમરીઓ ઉડી હતી ત્યારબાદ મોટાભાગનાં ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જે બે-ત્રણ કલાક બાદ પુન:શરૂ થયો હતો. મિનિ વાવાઝોડાનાં કારણે આંબા ઉપરથી કેરીઓ ખરી પડી હતી. જેથી કેરીના પાકને નુકસાન થયાનું જાણવા મળે છે.

મેંદરડા: ભારે પવનનાં કારણે આંબા પરથી કેરી ખરી ગઈ છે. એમ પણ આ વર્ષે પાક ઓછો છે ત્યારે તોફાની પવનનાં કારણે ખેડૂતોને ભારે નુકસાની ગઈ છે. આ ઉપરાંત ચીકુ, રાવણા, લીંબુ, તલ વગેરે પાકને નુકસાન થયું છે.

જૂનાગઢ: સોરઠમાં ગત મધરાતે હળવા વરસાદ સાથે મિનિ વાવાઝોડું ત્રાકટતા પીજીવીસીએલ જૂનાગઢ સર્કલના એટલે કે અડધા સોરઠમાં અંધાર પટ છવાયો હતો. જૂનાગઢ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ભરત પરમારે જણાવ્યું કે, સર્કલ વિસ્તારમાં કૃષિ જોડાણના 109 ફીડર બંધ થયાં હતાં. તેમાંથી 55માં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે. જ્યોતિગ્રામના 23 ફીડરો બંધ થયાં હતાં. તે પૂર્વવત કરી દેવાયાં છે. ગ્રામ્ય વિસ્તારના 69 તથા શહેરી વિસ્તારના 11 અને ઉદ્યોગોના 3 ફીડર મળી કુલ 83 ફીડરમાં રાતોરાત તથા આજે દિવસભર મરામત કામગીરી કરી પૂર્વવત કરાયા છે જ્યારે 17 વીજપોલને નુકસાન પહોંચ્યું છે. આ પોલ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરમાં ત્રણ સબ ડિવિઝન હેઠળના 24 ફીડર રાત્રે બંધ થતા, વીજ ટીમોએ રાત ઉજાગરા કરી સવાર સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં અંધાર પટ ઉલેચાયો છે. આ 24 ફીડર હેઠળના અંદાજે ચારેક હજાર ઘરમાં મધરાતે વીજળી ગૂલ થઈ હતી.

બોટાદ : જિલ્લામાં ગતરોજ બપોરના સમયે અચાનક વાતાવરણ પલટાતા ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ અને ભારે પવનને પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પપૈયા, તલ, બાજરી, જુવાર, મગના પાકમાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે તેમજ પશુઓના સુકા ચારામાં પણ પાણી ભરાઈ જવાથી નુકસાન થયું છે. જેને લઈ સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર આપવા જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રાસિંહ રાયજાદા દ્વારા માગ કરાઈ છે.

તળાજા: ગઈકાલના રાત્રે દસેક વાગ્યે અચાનક વાવાઝોડા જેવો પવન ફૂંકાવા લાગ્યો હતો. જેને લઈ આ વિસ્તારના બાગાયતી પાક કેરીને મોટાપાયે નુકસાની થઈ હોવાનું અને તેનું વળતર સરકાર ચૂકવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ધારાસભ્ય દ્વારા ખેડૂતોની લાગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશેનું જણાવ્યું હતું.

સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધૂળની આંધી સાથે મિનિ વાવાઝોડું આવી પડતાં ખેતરમાં કેરી અને ડાંગરના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મોડી રાતે સુરતના ઓલપાડ તાલુકામાં 31 મીમી વરસાદ પડતાં જે ખેડૂતોએ ઉનાળું ડાંગરની કાપણી કરી હતી તેમાંથી મોટાભાગનું ડાંગર પલળી ગયું હોવાનું જાણવા મળ્યું છે.  ઓલપાડમાં ભારે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયાં છે. પાણી ઉતરે પછી તડકો પડે ત્યારે ખેડૂતો નુકસાનનું ખરું આકલન કરી શકશે. સહકારી આગેવાન દર્શન નાયકે રાજ્ય સરકારને પત્ર લખી કમોસમી વરસાદથી થયેલાં નુકસાનનો તત્કાલ સર્વે કરાવી ખાસ કિસ્સામાં ખેડૂતોને વળતર આપવાની માગ કરી છે.

ધોરાજી: રાત્રિના બાર વાગ્યે અચાનક જ ભારે પવન સાથે વાવાઝોડાનો પ્રારંભ થતાં લોકોમાં ભય ફેલાયો હતો.

માણાવદર: પંથકમાં ગત રાત્રિએ ફૂંકાયેલા ભારે પવનના કારણે અનેક વસ્તુઓ હવામાં ફંગોળાઈ હતી. ભારે પવનનાં કારણે પીજીવીસીએલમાં વીજફોલ્ટ અંગેની ફરિયાદો નોંધાતા ટીમ સતત દોડતી રહી હતી.

દ્વારકા: રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિ અને વરસાદી માહોલને લીધે દ્વારકા જિલ્લાના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી શકે તેમ હોય સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાને લઈને મત્સ્યોદ્યોગ અધિકારી ઓખા દ્વારા માછીમારોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

મોડાસા: માલપુર તાલુકાના લાલજીનાં પહાડિયા ગામનો યુવક મહેશભાઈ મોહનભાઈ ખાંટ તેમની પત્ની અને અન્ય પારિવારિક મહિલા સાથે બાઇક પર મહીસાગર જિલ્લાનાં ગંધારી ગામે સામાજિક કામકાજ અર્થે ગયા બાદ પરત ફરતા કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જીતપુર ગામ નજીક બાઇક પર વીજળી પડતાં મહેશભાઈ ખાંટ તેનાં પત્ની અને અન્ય એક મહિલા રોડ પર પટકાયાં હતાં. મહેશ ખાંટ સ્થળ પર ભડથું થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું તેમનાં પત્ની અને અન્ય મહિલાનાં શરીર દાઝી જતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડયાં હતાં. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024