• શનિવાર, 27 જુલાઈ, 2024

ગેમ ઝોનમાં અગનખેલ 27 જીવતા ભૂંજાયા

રાજકોટના TRP ગેમ ઝોનની આગમાં 12 બાળકો પણ સળગ્યા

મેનેજર અને સંચાલકની અટકાયત : ઘટનાની તપાસ માટે સીટની રચના, 72 કલાકમાં અહેવાલ આપવા સૂચના

રાજકોટ તા. 25: (ફૂલછાબ ન્યુઝ) યમરાજાને પણ પોતાના કૃત્ય પર જાણે પસ્તાવો થાય તેવી અત્યંત દુ:ખદ, કંપાવનારી દુર્ઘટના શનિવારે સાંજે રાજકોટમાં બની હતી. નાનામોવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં અચાનક લાગેલી આગમાં બાર બાળકો સહિત 27 લોકો જોતજોતામાં જીવતા ભૂંજાઇ ગયા હતા. જ્યારે અનેક લોકો દાઝી ગયા હતા. ગેમઝોનમાં ખેલાયેલા અગનખેલમાં લોકો એટલી હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ પણ થઇ શકી નહોતી. જ્યાં સાંજે બાળકોની અને તેમની સાથે આવેલા વાલીઓની આનંદની ગુંજ સંભળાતી હતી તે સ્થળ થોડીવારમાં સ્મશાનમાં ફેરવાઇ ગયું હતું. વાલીઓ, ઉપસ્થિત લોકોના હૈયાફાટ રૂદન અને આક્રંદથી વાતાવરણ અત્યંત શોકમય બની ગયું હતું. સમગ્ર રાજ્યમાં આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગુજરાતના તમામ ગેમઝોન રાજ્ય સરકારના આદેશથી શનિવાર સાંજથી જ બંધ કરી દેવાયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડીરાત્રે રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે રાજકોટની મુલાકાત લેશે. ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ સમિતિની રચના પણ કરી છે. સમગ્ર પ્રકરણમાં હાલ ગેમ ઝોનના મેનેજર અને સંચાલકની અટકાયત કરવામાં આવી છે. સીટને 72 કલાકમાં પ્રાથમિક અહેવાલ આપવા તાકિદ અપાઇ છે.

સમગ્ર ઘટનાક્રમની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કાલાવડ રોડ ઉપર સયાજી હોટલ પાસે ‘ટીઆરપી’ ગેમઝોન આવેલો છે. આશરે બે એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગેમઝોનમાં વેકેશનના માહોલને ધ્યાનમાં લઈને આજે ગેમઝોનના સંચાલકોએ રૂ.99માં એક ગેમ્સની સ્કીમ રાખી હતી જેના કારણે બહોળી સંખ્યામાં બાળકો સહિતના લોકો ઉમટયાં હતાં. રજીસ્ટરમાં 70થી વધુ લોકોની એન્ટ્રી હતી, સમીસાંજે 5.00 વાગ્યા આસપાસ ગેમઝોનમાં કોઈપણ કારણોસર આગ લાગી હતી અને 30 સેકન્ડમાં આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.

આગ લાગતા જ બાળકોની ચીચીયારીઓ સાથે નાસભાગ મચી જવા પામી હતી. જીવ બચાવવા માટે સહુ કોઈ બહારની તરફ ભાગ્યાં હતાં પરંતુ ભીષણ આગને લીધે એક્ઝીટ ગેઈટની બહાર અમૂક લોકો જ નિકળી શક્યાં હતાં. ગેમઝોનમાં ‘ગો કાર્ટ રેસીંગ’ પણ થતું હોય, પેટ્રોલ-ડિઝલના કેન ભર્યા હતાં. આ ઉપરાંત સમગ્ર ગેમઝોનમાં રેકઝીન, સ્પંજ અને તુરંત સળગી શકે તેવા પદાર્થોના ગેમીંગ સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર અહીં રિનોવેશનનું કામ ચાલતું હોય ત્યાં પડેલા કચરાને કારણે આગ વધુ પ્રસરી હતી જ્યારે અન્ય લોકોના કહેવા મુજબ વેલ્ડીંગ કામ કરતી વખતે ‘િસલીન્ડર’ ફાટતા આગ ભભૂકી છે.

દરમિયાન ગેમઝોનની આગના કાળાડિંબાગ ધૂમાડા દૂર-દૂરથી જોઈ શકાતાં હતાં. આ અંગેની જાણ થતાં રાજકોટ મનપાની ફાયરબ્રિગેડની 45થી વધુ કર્મચારીઓની ટીમ 10થી વધુ ફાયરફાઈટરો સ્થળ ઉપર દોડી ગઈ હતી અને આશરે બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ‘અગ્નિકાંડ’ની આ હતભાગી દુર્ઘટનામાં 12 બાળકો સહિત 24 લોકોના મૃત્યુ નિપજ્યાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત 15થી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં આસપાસની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આગના કારણે મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયાં હોય, તેમની ઓળખવિધિ કરવી અશક્ય હોય, ગેમઝોનની બહાર તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડયાં હતાં અને કરુણ દ્રશ્યો સર્જાયાં હતાં.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગેમઝોનના મૂળ માલિક પ્રકાશ રાઠોડ તેમજ મેનેજર નીતિન જૈન હોવાનું તેમજ યુવરાજસિંહ સોંલકી નામની વ્યક્તિ તેનું સંચાલન સંભાળતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે નીતિન જૈન અને યુવરાજસિંહની પૂછપરછ માટે અટકાયત કરી છે. તેઓએ ગેમીંગ ઝોન માટેની મંજૂરી લીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જો કે,તેઓની પાસે ફાયર એનઓસી ન હોવાની વિગતો બહાર આવી છે. અલબત્ત, સ્થળ ઉપરથી ફાયર સેફ્ટીના સાધનો અચૂક મળી આવ્યાં હતાં.

આ લખાઈ રહ્યું છે ત્યારે મનપા ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં બુલડોઝર ફેરવીને આગમાં ભસ્મીભૂત કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આસપાસના વિસ્તારોમાં અધંકાર છવાઈ ગયો છે. મૃતદેહોને કાઢવા તેમજ ઈજાગ્રસ્તોને હોસ્ટિપટલે ખસેડવા માટે પોલીસ તંત્રની સાથે સ્થાનિક રહેવાસીઓ પણ ખભેખભો મિલાવીને જોડાયાં છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઈન્ટ કમિશનર વિધી ચૌધરી, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 સુધીર કુમાર દેસાઈ, ટ્રાફિક બ્રાન્ચના ડીસીપી પૂજા યાદવ, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ, ચીફ ફાયર ઓફિસર ખેર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયાં હતાં. એફએસએલની ટીમ પણ સ્થળ પર દોડી ગયાં હતાં. સમગ્ર ઘટનાક્મની ઉંડાણપૂર્વક તપાસ માટે આઇપીએસ સુભાષ ત્રીવેદીના વડપણ હેઠળ ‘સીટ’ની રચના કરવામાં આવનારી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકીય અગ્રણીઓમાં ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, કોંગ્રેસ અગ્રણી લલીત કગથરા, અતુલ રાજાણી, નયનાબા જાડેજા વગેરે પણ સ્થળ ઉપર પહોંચીને સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

મૃતકોમાં મોટાભાગના ટીનેજર્સ !

ટીઆરપી ગેમઝોનમાં આગની દુર્ઘટનાના મૃતકોમાં સૌથી વધુ ટીનેજર્સ હોવાનું બહાર આવ્યું છે. 8 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની વયજૂથના લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યાં છે જો કે, 24 મૃતકોમાં મોટાભાગના ટીનેજર્સ છે જેમની વય 11 થી લઈને 25 વર્ષની છે. આ ઉપરાંત 30 અને 40 વર્ષની વય ધરાવતા 3-3 વ્યક્તિના પણ આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યાં છે.

આગ લાગવાનું કારણ શું ?

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર અહીં રિનોવેશનનું કામ ચાલતું હોય ત્યાં પડેલા કચરાને કારણે આગ વધુ પ્રસરી હતી જ્યારે અન્ય લોકોના કહેવા મુજબ વેલ્ડીંગ કામ કરતી વખતે ‘િસલીન્ડર’ ફાટતા આગ ભભૂકી હતી અને 30 સેકન્ડમાં આગે સમગ્ર ગેમઝોનને ભસ્મીભૂત કરી નાખ્યો હતો. ગેમઝોનમાં ‘ગો કાર્ટ રેસીંગ’ પણ થતું હોય, પેટ્રોલ-ડિઝલના કેન ભર્યા હતાં. આ ઉપરાંત સમગ્ર ગેમઝોનમાં રેકઝીન, સ્પંજ અને તુરંત સળગી શકે તેવા પદાર્થોના ગેમીંગ સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

પીએમ, ગૃહમંત્રી, રાષ્ટ્રપતિ વગેરેએ દુ:ખ વ્યક્ત કર્યું

રાજકોટના ગેમ ઝોનમાં બનેલી ભયાનક આગની ઘટના અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું હતું કે, રાજકોટની આગની ઘટનાથી તેઓ ખૂબ જ વ્યથિત છે. તેઓની સંવેદના એવા તમામ લોકો સાથે જેણે દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યુ હતું કે, રાજકોટના ગેમઝોનની ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, મલ્લીકાર્જુન ખડગે વગેરેએ ટ્વીટ મારફતે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024