• મંગળવાર, 25 જૂન, 2024

ભારત-નેપાળ : ફરીથી ઉષ્મા

નેપાળના વડા પ્રધાન પુષ્પકમલ દહાલ પ્રચંડ જ્યારે પ્રથમ વખત વડા પ્રધાન બન્યા ત્યારે તેમની ભાષામાં ચીન પ્રતિનો પ્રેમ ઝળકતો હતો. જ્યારે હવે બીજી વખત વડા પ્રધાન તરીકે પહેલી વિદેશ મુલાકાત ભારતની લીધી છે. ચાર દિવસની મુલાકાત દરમિયાન ભારત અને નેપાળ વચ્ચે ઘણા કરાર થયા છે જે ફરીથી ગાઢ સંબંધોના સંકેત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પકમલ દહાલ ‘પ્રચંડ’ની સાથે વ્યાપક મંત્રણામાં ભાગીદારીને ‘સુપરહિટ’ બનાવવા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. સીમા પાર પેટ્રોલપંપ, પાઈપલાઈનનો વિસ્તાર, એકીકૃત તપાસ ચોકીઓનો વિકાસ અને પવન ઊર્જામાં સહયોગ સહિત વિભિન્ન ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સાત સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. રસ્તા, રેલ જેવા ટ્રાન્સિટ માર્ગને વ્યવસ્થિત બનાવવાનો નિર્ણય લીધો છે. ભારત નેપાળથી વીજળી ખરીદી રહ્યું છે આ બાબતના કરાર વધુ દસ વર્ષ માટે લંબાવવામાં આવ્યા છે. ભારત-નેપાળ સંબંધ સાંસ્કૃતિક અને સામાજિક-આર્થિક સંબંધોની સમૃદ્ધ પરંપરાથી નિર્મિત નક્કર પાયા પર છે.

નેપાળના વડા પ્રધાનની આ મુલાકાતની ખાસ વાત એ રહી કે બંને દેશોના સંબંધોમાં છેલ્લાં કેટલાંક વર્ષથી ઉષ્માનો જે અભાવ જણાતો હતો તે દૂર થઈ રહ્યો છે. એવો પ્રચાર હતો કે ભારત નેપાળ ઉપર સવાર થવા માગે છે. એવી જ રીતે ભારતમાં પણ એ ધારણા દૃઢ બનવા લાગી હતી કે નેપાળના કેટલાક નેતાઓ ચીનના ઈશારે ભારત વિરોધી નીતિ અપનાવી રહ્યા છે. હવે સમય બદલાયો છે. સમજ પણ બદલાઈ છે અને પરસ્પર સૌહાર્દ અને સહયોગ દ્વારા વિકાસની ગતિ ઝડપી બનાવવાની ઈચ્છાનીતિ કેન્દ્રમાં આવી છે. ગયા ડિસેમ્બરમાં પદગ્રહણ કર્યા પછી પ્રચંડ આ વાતને લઈ સતર્ક જણાયા કે તેમનાં કોઈ પગલાંથી ભારતમાં ગેરસમજ ફેલાય નહીં. સંભવત: આને માટે અહીં આવ્યા પછી એમણે ચીનના ‘બોઆઓ ફોરમ ફોર એશિયા’નું નિમંત્રણ નકારી કાઢ્યું.

ભારત માટે નેપાળનું મહત્ત્વ દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભ ઉપરાંત સમગ્ર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં શાંતિ અને સહયોગનો માહોલ જાળવી રાખવાની દૃષ્ટિએ પણ છે. નેપાળી વડા પ્રધાન પ્રચંડની આ મુલાકાતમાં એ વાત રેખાંકિત થઈ છે કે પરસ્પર સન્માન અને વિશ્વાસનો સંબંધ બંને દેશો માટે જ નહીં, સંપૂર્ણ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આવશ્યક છે. નેપાળ ભારત માર્ગે બાંગ્લાદેશને પણ વીજળીની સપ્લાય કરવા માગે છે. બાંગ્લાદેશને પણ આ પ્રોજેક્ટમાં રસ છે. આ પ્રોજેક્ટ આગળ વધે તો ત્રણે દેશો લાભાન્વિત થશે. બેશક સીમા વિવાદ છે જેના કારણે કટોકટી જાગી હતી, પરંતુ આવા વિવાદ શાંતિ, સહયોગ અને પરસ્પર વિશ્વાસના માહોલમાં મંત્રણા દ્વારા બહેતર રીતે ઉકેલી શકાય છે. આ માટે બંને પક્ષોએ સહયોગ અને સામંજસ્ય વધારવાની નીતિ અપનાવી છે. આશા છે કે બંને દેશો પારંપરિક સંબંધોને - વડા પ્રધાન મોદીના શબ્દોમાં કહીએ તો ‘િહમાલય સી ઊંચાઈ’ આપવામાં સફળ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક