અંબાજી તીર્થના પ્રસાદનો જે વિવાદ શરૂ જ થવો જોઈતો નહોતો તેનો આખરે અંત આવ્યો છે. જો કે આ વિષયની ચર્ચા તો લાંબો સમય ચાલુ રહી અને હજી રહેશે કારણ કે ગઈકાલ સુધી મક્કમ રહેલી સરકારે આજે પણ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની વાત કરી છે, ચીકીનો પ્રસાદ શા માટે ? તે અંગે કંઈ કહ્યંyં નથી. એક સાવ સામાન્ય વાતમાં તો આંદોલન અને આવેદન સુધી વાત પહોંચી ગઈ. એક રીતે પેટ ચોળીને ઊભું કરાયેલું આ શૂળ હતું. આશા રાખીએ હવે બધું પૂર્વવત થાય અને ખાસ તો સરકાર કે સરકારી જોડાણવાળું ટ્રસ્ટ હવે આવી
બાબતમાં પડે નહીં.
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ દાયકાઓથી અપાય છે. અચાનક ત્યાં ચીકીનો પ્રસાદ શરૂ કરાયો અને વિવાદ છેડાઈ ગયો. શા માટે આવો નિર્ણય લેવાયો હતો તે તો આ નિર્ણય પાછો ખેંચાઈ ગયા સુધી કોઈને ખબર પડી નથી. જેવું આ નક્કી થયું એટલે પહેલાં ભાવિકો અને પછી વિશ્વ હિન્દુ પરિષદ નારાજ થઈ. કોંગ્રેસે પણ આ મુદ્દે આક્રમકતા દર્શાવી. નોંધવાની વાત એ છે કે આ તે કેવો મુદ્દો કે જેના માટે કોંગ્રેસ અને વિશ્વ હિન્દુ પરિષદ બન્ને એક થયા! અથવા તો બન્નેના અભિપ્રાય સરખા રહ્યા. સરકારથી નિર્ણય થતાં થઈ ગયો, વળી એવું પણ કહેવાઈ ગયું કે ચીકી લાંબો સમય સુધી ટકે તેથી તે પ્રસાદ તરીકે અપાશે. ચીકી તો ફરાળી છે તેવું કહ્યું ત્યારે કોઈને એવું સૂઝ્યું નહીં કે મોહનથાળ ફરાળી વાનગી નથી.
ચીકી અને મોહનથાળના ઘર્ષણમાં ગુજરાતના અને બહારથી આવતા હજારો દર્શનાર્થીઓની આસ્થાની તદ્દન અવગણના થઈ. ગુજરાતના ગામે-ગામ આ મુદ્દે વિરોધ શરૂ થયો. આખરે આજે બપોરે એવું જાહેર થયું કે બન્ને પ્રસાદ મળશે. સારી વાત છે મોહનથાળ પુન: શરૂ થયો પરંતુ ચીકી પણ પ્રસાદમાં રહેશે તો ખરી જ તેનું કારણ શું, જ્યાં તેનો કોઈ સ્વીકાર જ નથી. છેલ્લા ત્રણ દિવસથી તો ભાવિકો પોતાના ખર્ચે મોહનથાળ વહેંચે છે તો પછી ચીકી શા માટે? કંઈ કારણ જાહેર થાય કે નહીં, કોઈ સ્પષ્ટ કારણ મળે કે નહીં આવું કંઈ પણ થાય એટલે લોકોના મનમાં સંશયના અનેક વમળ સર્જાય. એકવાર જે થયું તે થયું, હવે પછી આવી બાબતમાં કોઈ નિર્ણય લેતાં પહેલાં સો વાર વિચાર કરી લેવો જોઈએ. વિવાદનો તો અંત આવ્યો પરંતુ આવું કાં થયું? તેની ચર્ચા તો લાંબી ચાલશે.