સૂત્રધારની મિલકતોની હરાજી કરવામાં
આવશે : 4રર કરોડથી વધુની બેંક-રોકડ હેરાફેરી ખુલી’તી
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,
તા.10: બીઝેડ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બીઝેડ કૌભાંડને લઈને સીઆઈડીએ
પ્રેમ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રોકાણકારોને રૂપિયા પરત મળશે. પાંચેક દિવસમાં
રોકાણકારોને રૂપિયા પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેને લઈને જરૂર પડશે તો
બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વસાવાયેલી પ્રોપર્ટીની હરાજી કરવામાં
આવશે.
સીઆઈડી ક્રાઈમ દ્વારા કૌભાંડને
લગતા તમામ દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે જેમાં મહત્વના ખુલાસા થયા છે.
સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી પરિક્ષીતા
રાઠોડે જણાવ્યું હતું કે, બીઝેડ ગ્રુપ કૌભાંડમાં રોકાણ કરેલા તમામ રોકાણકારોની માહિતી
પોલીસને મળી છે. એક સીએને સાથે રાખી પોલીસે તપાસ કરી છે. રોકાણકારોને વળતર સરકાર અપાવશે.
11 હજારમાંથી 3પ00 લોકોને નાણા પરત આપવાના થાય છે. ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની હરાજી
કરાશે. હરાજી કરી રોકાણકારોને નાણા પરત અપાશે. પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવી
રહી છે, જેમાં એકાઉન્ટન્ટ પાસેથી રજીસ્ટર મળ્યા છે વેબસાઈટ અને રજીસ્ટરના આંકડા અલગ
છે. તમામ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. ફરાર એજન્ટોને પકડવા માટે કામગીરી ચાલુ
છે. ટેકનિકલ સર્વેલન્સની પણ તપાસ થઈ રહી છે. 17પ રોકાણકારોએ પુરાવા આપ્યા છે. અમે કોર્ટમાં
પુરાવા રજૂ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ચકચારી
6000 કરોડના બીઝેડ કૌભાંડ આચરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં છે. ભૂપેન્દ્રસિંહ
ઝાલાની અન્ય ગુનામાં ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. હજારો લોકોનું કરોડોનું ફૂલેકુ ફેરવનારા
ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના સુધી ફરાર રહ્યાં બાદ મહેસાણાથી સીઆઈડી ક્રાઈમની ટીમે
ધરપકડ કરી હતી. પોન્ઝી સ્કીમ અને રોકાણકારોના પૈસા ડબલ કરવા સહિત અનેક રીતે લોકો સાથે
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઠગાઈ આચરી હતી. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સહિત 11 હજારથી વધુ
રોકાણકારોએ બીઝેડમાં નાણા રોક્યા છે. 4રર કરોડથી વધુનું બેંક અને રોકડ હેરાફેરી તપાસ
સંસ્થાએ પકડી પાડી હતી.
સીઆઈડી ક્રાઈમે ભૂપેન્દ્રસિંહ
ઝાલાના તમામ હિસાબો સંભાળનાર એકાઉન્ટન્ટ નરેન્દ્ર પ્રજાપતિની પણ ધરપકડ કરી હતી. સીઆઈડી
ક્રાઈમે નરેન્દ્ર પ્રજાપતિને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેના
8 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, કોર્ટે તેના 11 જાન્યુઆરી સુધીના એટલે
કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.