શિયાળામાં ચાનું વેચાણ સૌરાષ્ટ્રમાં
15 ટકા જેટલું વધી ગયું
રાજકોટ, તા.20(ફૂલછાબ ન્યૂઝ)
: ગ્લોબલ વોર્મિંગની ચર્ચાને ખોટી પાડતી હોય તેમ ઠંડીએ આકરો મિજાજ આ વર્ષે બતાવ્યો
છે. ગુજરાતભરમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લાં એક મહિનાથી ખૂબ ઠંડી પડી છે.
કોઈ દિવસ આકરી તો ક્યારેક ગુલાબી ઠંડીમાં શિયાળો સારો વિતી રહ્યો છે. ઠંડીની અસરથી
કાવા જેવાં ગરમ પીણાનું વેચાણ વધે તો ચાનું કેમ ન વધે ? ચાનું વેચાણ ઠંડીને લીધે રફતાર
પકડી ચૂક્યું છે. સૌરાષ્ટ્રભરમાં સામાન્ય દિવસો કરતા ઠંડીના મહિનાઓમાં 15થી 16 ટકા
વેચાણ વધારો થયો છે એમ ચાના હોલસેલ વેપારીઓએ કહ્યું હતું.
રાજકોટના અગ્રણી હોલસેલર ગિરીશ
મહેતા કહે છે, શિયાળામાં વેચાણ વધતું જ હોય છે પણ આ સાલ ઠંડીના દિવસો સળંગ રહ્યા છે
અને તાપમાન પણ વધારે સમય નીચું રહ્યું એટલે વેચાણમાં ફરક પડયો છે. લગભગ બધા હોલસેલર
અને રિટેઇલરને ત્યાં ચાનો ઉઠાવ ખૂબ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, સૌરાષ્ટ્રભરમાં સરેરાશ
18થી 20 લાખ કિલો ચા દર મહિને વેચાણ થાય છે. ઉનાળામાં 10 ટકા જેટલો ઘટાડો થાય અને શિયાળામા
15 ટકા જેટલો વપરાશ વધારો થાય છે. ચાના હોલસેલ વેપારમાં રાજકોટ હબ ગણવામાં આવે છે.
ચાના બગીચા અને મથકોએ સીઝન પૂરી
થઈ ગઈ છે પણ સ્ટોકની ચા અત્યારે બજારમાં વેચાય છે. સૌરાષ્ટ્રના અલગ અલગ સેન્ટરોમાં
ભરસીઝને ચાની ગાડીઓ નિયમિત ઉતરતી રહે છે. અલબત્ત, અત્યારે ચાની ઓફ સીઝન ગણાય એટલે ભાવમાં
જથ્થાબંધ સ્તરે કિલોએ રૂ. 50 જેવો ઘટાડો થયો છે. અત્યારે ગુણવત્તા પણ નબળી હોય એટલે
ભાવ રૂ. 175-240 વચ્ચે ચાલી રહ્યો છે.
ચાના વેપારીઓ કહે છે કે, હવે
માર્ચ મહિનામાં ચાના બગીચાઓ શરૂ થશે. એ પૂર્વે ડિસેમ્બરથી બગીચામાં ઉત્પાદન લેવાનું
બંધ થઈ જાય છે. બધા જ વેપારીઓ અત્યારે સ્ટોકની ચા વેચી રહ્યા છે. માર્ચમાં નવા માલ
આવે ત્યારે પણ માગ રહેશે અને ભાવ થોડાક વધી શકે છે. નવો પાક સારો આવવાની ગણતરી છે.
ચા પીવાની વાત આવે ત્યારે એમાં
રાજકોટ શહેર અગ્રેસર છે, કારણ કે વહેલી સવારે પાંચ વાગ્યાથી ચાનાં થડાં રાજકોટમાં શરૂ
થઈ જાય છે. મોડી રાત સુધી થડાં કે ચાના પાર્લરો પર લોકોની ગિર્દી સતત રહે છે. શિયાળામાં
નાઇટ આઉટ વખતે એક નહીં બબ્બે ચા પણ લોકો પી જાય છે. ચાનો વપરાશ ઠંડીએ વધાર્યો છે અને
ચાના વેપારીઓ તથા ચા બનાવનારાના ટર્નઓવર પણ વધ્યા છે.