• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

શ્વાનોનો આતંક : કાલાવડનાં પીપર ગામે 11 વર્ષની બાળકીને ફાડી ખાધી

શ્રમિક પરિવારની બાળકી વાડીએથી ચાલીને ઘરે જતી હતી ને પાંચ કૂતરાએ હુમલો કરી બચકાં ભરી લેતાં મૃત્યુ

જામનગર, તા.8 : રખડતા કૂતરા મુદ્દે હાઇ કોર્ટના કડક કાર્યવાહી કરવાના આદેશ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં ન હોવાથી માસૂમ બાળકો કૂતરાઓનો શિકાર બની રહ્યાં છે ત્યારે આવો જ એક વધુ બનાવ કાલાવડના પીપર ગામે સામે આવ્યો છે. શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી વાડીએથી ચાલીને ઘરે આવતી હતી ત્યારે પાંચ કૂતરાએ બાળકી ઉપર હુમલો કરી બચકાં ભરી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મૃત્યું નીપજ્યું હતું. આ બનાવથી ગામમાં અરેરાટી ફેલાઈ છે.

જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામે ખેડૂત અશોકભાઈ ભીખાભાઈ રાંકની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુરલાભાઈ વેસ્તાભાઈ કનેશ નામના પરપ્રાંતીય શ્રમિકની 11 વર્ષની પુત્રી રાજલ વાડીએથી ચાલીને ઘરે આવતી હતી. દરમિયાન રસ્તામાં પાંચ જેટલા રખડતા કૂતરાઓએ બાળકીને ઘેરી લઈ હુમલો કર્યો હતો અને શરીરના અલગ અલગ ભાગોમાં બચકાં ભરી લેતાં તેણી લોહી લુહાણ થઈ ગઈ હતી. જેને તાત્કાલીક સારવાર માટે ગંભીર હાલતમાં કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  જોકે, સારવાર કારગત ન નીવડતા બાળકીનું હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજ્યું હતું. બાળકીનાં મૃત્યુથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે  બાળકીના પિતા સુરલાભાઈ વેસ્તાભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડના પી.એસ.આઇ.સી.બી રાંકજા બનાવનાં સ્થળે અને ત્યારબાદ કાલાવડની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને બાળકીના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક