• શનિવાર, 18 એપ્રિલ, 2026

આસારામ આશ્રમ પર ફરશે બુલડોઝર, વિવાદિત જમીન અંગે હાઈકોર્ટનો ચુકાદો

ઓલિમ્પિકના આયોજન માટે માર્ગ મોકળો, આશરે 50,000 ચોરસ મીટર જમીન સરકારને પરત મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.17: અમદાવાદના મોટેરા સ્થિત આસારામ આશ્રમ ટ્રસ્ટને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચે આસારામ આશ્રમની અરજીને ફગાવી દેતા તેની પાસે કોઈ જ કાયદાકીય દાવપેચ બચ્યો નથી. હવે તંત્ર માટે આસારામ આશ્રમને તોડી પાડવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. હાઈકોર્ટની ડબલ બેન્ચે સિંગલ જજના એ ચુકાદાને યથાવત રાખ્યો છે, જેમાં કલેક્ટરને જમીન પરત લેવાના આદેશને યોગ્ય ઠેરવવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગરવાલ અને ન્યાયાધીશ ડી.એન.રેની ડિવિઝન બેન્ચે આસારામ આશ્રમ ટ્રસ્ટની તમામ અપીલો ફગાવી હતી. 

આ કેસમાં સરકારી વકીલ જી.એચ.વીર્ક દ્વારા રજૂ કરાયેલી દલીલોને પણ હાઇકોર્ટે માન્ય રાખી છે. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સરકારી વકીલે દલીલ કરી હતી કે આ જમીન દાયકાઓ પહેલા મર્યાદિત ધાર્મિક હેતુ માટે ફાળવવામાં આવી હતી. જોકે આશ્રમે ત્યાં અનધિકૃત બાંધકામ અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરીને ફાળવણીની શરતોનો ભંગ કર્યો છે. 

આ જમીન મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બિલકુલ નજીક આવેલી છે. હાઇકોર્ટના આ નિર્ણય બાદ હવે આ વિસ્તારને શહેરના ભવિષ્યના ’સ્પોર્ટ્સ હબ’ તરીકે વિકસાવવામાં આવશે. રાજ્ય સરકાર માટે આ જમીનનો કબજો કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યના ઓલિમ્પિક આયોજન માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં મહત્ત્વની કડી સાબિત થશે. દાયકાઓ પહેલા ધાર્મિક હેતુ માટે આશ્રમને આશરે 33,980 ચોરસ મીટર જમીન ફાળવાઈ હતી. સરકારે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા કે આશ્રમે શરતોનો ભંગ કરીને વાસ્તવિક કબજો 50,000 ચોરસ મીટર સુધી વધારી દીધો હતો. હાઈકોર્ટના આ ચુકાદા સાથે જ હવે આશ્રમ પર બુલડોઝર ફરવાનો અને જમીન ખાલી કરાવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. 

હાઈકોર્ટે સખ્ત ટિપ્પણી કરતાં ટાંક્યું કે, આશ્રમે માત્ર સરકારી શરતોનો જ ભંગ નથી કર્યો પરંતુ સાબરમતી નદી પરની જમીન પર ગેરકાયદે રીતે કબજો જમાવ્યો છે. આટલું જ નહીં આસારામ એક ગુનેગાર હોવાથી અને સતત કાયદાનો ઉલાળિયો કરતા હોવાથી તેમને રાહત ના આપી શકાય.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક