• ગુરુવાર, 23 જુલાઈ, 2026

વડોદરા સુધી પહોંચ્યું જૈશ-એ-મોહમ્મદ કનેક્શન : એટીએસની તપાસમાં નવા ખુલાસા

સયાજીગંજની હોટલમાં રોકાયા બાદ રેલવે સ્ટેશન પાસે કાશ્મીરી આતંકી સાથે ગુપ્ત બેઠક યોજી હોવાનો પર્દાફાશ

સ્થાનિકોને કટ્ટરપંથી બનાવવાનું હતું આયોજન

વડોદરા, તા.22 : ગુજરાત એટીએસ દ્વારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકો સામે ચાલી રહેલી તપાસમાં હવે વડોદરા કનેક્શન સામે આવ્યું છે. પાલનપુર ભાગળથી શરૂ થયેલી તપાસની કડીઓ વડોદરા સુધી પહોંચતા તપાસ એજન્સીઓએ શહેરમાં તપાસ વધુ સઘન બનાવી છે. અગાઉ એટીએસએ બનાસકાંઠા, નવસારી અને પાટણ સહિતના વિવિધ વિસ્તારમાંથી 13 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આરોપી અહમદ ગાજીવાલા અને ઈબ્રાહિમ ઘઘા વડોદરાની એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હોવાનો ખુલાસો થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે એટીએસની ટીમે આરોપી અહમદ ગાજીવાલાને સાથે રાખીને વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન નજીક જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક કાશ્મીરી વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક યોજાઈ હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ બેઠક દરમિયાન સ્થાનિક લોકોને આતંકી સંગઠન સાથે જોડવાના પ્રયાસો અને કટ્ટરપંથી વિચારોના પ્રસાર અંગે ચર્ચા થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત, તપાસમાં આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે કટ્ટરપંથી સાહિત્ય અને વીડિયો શેર કરતા હોવાની વિગતો પણ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, એમ્બેસેડર હોટલના માલિક અમ્માર શાજીએ પોલીસ સમક્ષ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે તેઓ આ વ્યક્તિઓને ઓળખતા નથી અને હોટલમાં રોકાયેલા લોકો અંગે તેમને કોઈ જાણકારી નથી.

હાલ સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ ચાલુ છે. તપાસ એજન્સીઓ સંભવિત સંપર્કો, નાણાકીય વ્યવહારો અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે માહિતી એકત્ર કરવાની કાર્યવાહી કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક