• સોમવાર, 27 મે, 2024

આજથી તરણેતરના ભાતીગળ લોકમેળાની રંગત

ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવન પૂજન સાથે મેળાની શરૂઆત થશે: વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ગ્રામિણ રમતોત્સવ, પશુ મેળા સહિતના કાર્યક્રમો થકી લોકસંસ્કૃતિ ઉજાગર થશે

(ફૂલછાબ ન્યુઝ)

સુરેન્દ્રનગર, તા.17: સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષ યોજાતા તરણેતરના ભાતીગળ લોકમેળાનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે. આ લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજ તા. 18 સપ્ટેમ્બરના રોજ પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સવારે 9.30 કલાકે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન કરવામાં આવશે ત્યારબાદ સવારે 10.30 કલાકે ગ્રામિણ રમતોત્સવ, પશુ મેળો અને માહિતી પ્રદર્શનના સ્ટોલનું ઉદ્ઘાટન મંત્રીના વરદહસ્તે કરવામાં આવશે. રાત્રે 9 કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીના કાર્યક્રમ યોજાશે.

ભાદરવા સુદ ચોથ (ગણેશ ચતુર્થી) તા.19 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મેળાની મુલાકાત લેશે. સવારે 11 કલાકે પાળીયાદના વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા ઉનડ બાપુ દ્વારા સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે ત્યારબાદ રાત્રે 9.30 કલાકે માહિતી વિભાગ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.  ભાદરવા સુદ પાંચમ (ઋષિ  પંચમી) તા. 20 સપ્ટેમ્બરના રોજ સવારે 6.30 કલાકે મહંતશ્રી દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે 8.30 કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલાસિંહ દિવ્યરાજાસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ મેળાના મેદાનમાં રસ્સા ખેંચ અને કુસ્તી જેવી રમતોની હરીફાઈ યોજાશે. મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઇનામ પણ એનાયત કરવામાં આવશે ત્યારબાદ રાત્રે 9.30 કલાકે મેળાના સ્ટેજ પર તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભાદરવા સુદ છઠ્ઠ તા. 21 સપ્ટેમ્બરના રોજ સવારે 7 કલાકે ગંગા વિદાય આરતી યોજાશે ત્યારબાદ બપોરે 12 કલાકે મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

આ વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પશુપાલનમંત્રી પરસોતમભાઈ સોલંકી, પંચાયત મંત્રી બચુભાઈ ખાવડ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કિરીટાસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, પી.કે.પરમાર સહિતના મહાનુભાવો સહભાગી બનશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક