• મંગળવાર, 25 જૂન, 2024

અમદાવાદમાંથી યુપીના બે શખસ 7 હથિયાર, 1પ કાર્ટીસ સાથે ઝડપાયા 1પ હજારના હથિયાર 3પ હજારમાં વેચવાના હતા, ગ્રાહકોની પણ શોધખોળ

અમદાવાદ, તા.6: (ફૂલછાબ ન્યુઝ) રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હથિયારના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીએ ઉત્તર પ્રદેશથી હથિયાર લાવી ગુજરાતમાં વેચવાનો પ્લાન બનાવ્યો હતો પણ હથિયારોનો સોદો થાય તે પહેલા જ આરોપીને ઝડપી પાડયા છે. ક્રાઇમ બ્રાંચને હાથે ઝડપાયેલા બે આરોપીઓ પાસેથી 2 પિસ્ટલ સહિત 7 હથિયાર અને 15 કારતુસ કબ્જે કર્યા છે.

પોલીસે પકડેલા શાદાબઆલમ શેખ મૂળ ઉત્તર પ્રદેશનો છે અને અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહે છે. આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરથી તમામ હથિયારો લાવી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. જોકે પોલીસ દ્વારા આરોપીની સાથે રબ નવાઝખાનની પણ ધરપકડ કરવામાં આવી છે, તેની પાસે બે હથિયાર મળી આવ્યા હતા. આરોપી રબનવાઝખાનની પૂછપરછ દરમ્યાન આ બંને હથિયારો શાદાબઆલમે આપ્યા હોવાનું ખુલ્યું હતુ.

પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી શાદાબ આલમ કાનપુરથી પિસ્ટલ 15 હજાર રૂપિયામાં લાવીને 35 હજાર રૂપિયામાં વેચવાનો હતો. એટલું જ નહીં પણ આ હથિયાર સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. પ્રાથમિક તપાસમાં એ હકીકત પણ સામે આવી કે હથિયાર ખરીદનાર ગ્રાહકો પોતાની દુશ્મનાવટ અને મોજ-શોખ તેમજ રોંફ જમાવવા માટે આ હથિયાર ખરીદવાના હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક