• મંગળવાર, 23 એપ્રિલ, 2024

ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં જ ફાંફાં અંગ્રેજી કરતાં માતૃભાષામાં વધુ નાપાસ થયા

 2022માં પણ 17.85% વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા જ્યારે અંગ્રેજીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી 10.78 હતી

 

અમદાવાદ, તા.10:  શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાનિક અથવા માતૃભાષામાં સૂચનાઓ આપવાને કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપી રહી છે એવામાં ગુજરાતમાં અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પોતાની માતૃભાષામાં બાળકને કંઈપણ શીખવવાથી તેની કલ્પનાશક્તિ અને તર્કશક્તિ ખીલે છે તે વાત છેલ્લા બે વર્ષથી જાણે ખોટી પડતી દેખાઈ રહી છે. છેલ્લા બે વર્ષથી અંગ્રેજી કરતાં ગુજરાતી ભાષામાં નાપાસ થતાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા

વધારે છે.

 હાલમાં ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આવ્યું છે જેમાં 96,287 વિદ્યાર્થીઓ ગુજરાતી (પ્રથમ ભાષા)માં નાપાસ થયા છે, જ્યારે અંગ્રેજી (દ્વિતીય ભાષા)માં નાપાસ થનારા વિદ્યાર્થીઓનો આંકડો 95,544 છે. મતલબ કે, બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા 2.6 લાખ વિદ્યાર્થીઓમાંથી 35 ટકા ગુજરાતીમાં નાપાસ થયા છે.

2022માં 17.85% વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા જ્યારે અંગ્રેજીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી 10.78 હતી. ભાષાકીય સ્થિતિ હવે બદલાતી જણાઈ રહી છે. પહેલા એવું બનતું કે મોટાભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં પાસ થવામાં તકલીફ થતી હતી અને ગુજરાતીમાં સરળતાથી પાસ થઈ જતાં હતા.

ગણિત-વિજ્ઞાન જેવા વિષયો પર વિદ્યાર્થીઓ આપે છે વધુ ધ્યાન

 શિક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું, વિદ્યાર્થીઓ મોટાભાગે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પર વધુ ધ્યાન આપે છે અને માતૃભાષાને ખાસ મહત્ત્વ આપતા નથી. તેમના મનમાં ભરાયેલી ખોટી ગ્રંથિને લીધે તેઓ ઈંગ્લિશની તૈયારીમાં વધુ સમય ફાળવે છે.

બાળક માતૃભાષામાં નાપાસ થઈ શકે એવી ગેરમાન્યતા

બાળક પોતાની માતૃભાષામાં નાપાસ થઈ ના શકે તેવી ગેરમાન્યતાને લીધે ગુજરાતી ભાષા ભણવા પાછળ સમય પણ ઓછો ફાળવે છે.વિદ્યાર્થીઓ અજાણતાં ગુજરાતી ભાષાની અવગણના કરી નાખે છે. વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક