• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

કોડિનારમાં એસઓજીના બે પોલીસમેનની હત્યાનો પ્રયાસ

ચાર મહિલા સહિત 10 સામે ગુનો નોંધાયો : સાત પકડાયા : ત્રણ ફરાર

કોડિનાર, તા.10 :  કોડિનારના  જંગલેશ્વર વાડી વિસ્તારમાં હથિયારોની બાતમીના આધારે તપાસમાં ગયેલા ગીર સોમનાથ જિલ્લાની એસઓજીના બે પોલીસમેન પર ટોળાએ ધોકા-પાઈપ અને છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા બન્ને કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસે ચાર મહિલા સહિત દસ સામે હત્યાનો પ્રયાસ અને ફરજમાં રુકાવટ કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાત શખસને ઝડપી લીધા હતા. આ અંગેની વિગત એવી છે કે, ગીર સોમનાથ  એસઓજીના પોલીસમેન મેહુલસિંહ પ્રતાપસિંહ પરમાર અને ગોપાલસિંહ બાતમીના આધારે કોડિનાર જંગલેશ્વર આગળ વાડી વિસ્તારમાં હથિયારો હોવાની બાતમીના આધારે કાર લઈને ગયા હતા. દરમિયાન વાડીમાં સાતથી આઠ શખસ પાર્ટી મનાવતા હોય બન્ને પોલીસ કર્મચારીઓ પહોંચતા ધોકા-પાઈપ અને છરીથી હુમલો કરી નાસી છૂટયા હતા અને ઘવાયેલા મેહુલસિંહ અને ગોપાલસિંહને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગે પોલીસે મેહુલસિંહ પરમારની ફરિયાદ પરથી સંજય ભગવાન ચૌહાણ, કેતન મકવાણા, રાકેશ સોલંકી, સિદ્ધાર્થ મેર, દીવાળીબેન ચૌહાણ, દર્શનાબેન ચૌહાણ, ભાવનાબેન ચોહાણ, રેખાબેન ધીરુ, લાલજી સરમણ અને એક અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે સાત શખસને ઝડપી લઈ ત્રણ ફરારની શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક