• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

માર્ગ સલામતી માસની ઉજવણી સમયે 24 કલાકમાં અકસ્માતના ત્રણ બનાવ હીટ એન્ડ રનની બે ઘટના: ઓડદર, આદિત્યાણા અને રાણાવાવમાં અકસ્માત

પોરબંદર, તા.11: પોરબંદરના ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને અકસ્માત ઘટાડવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માતના ત્રણ બનાવો બન્યા છે જેમાં બે હિટ એન્ડ રનની ઘટના છે. 

રાણાવાવના મફતીયાપરામાં પશુ દવાખાના પાસે રહેતા અને નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા ભીખુભાઈ ડાયાભાઈ પુરોહિત નામના 52 વર્ષના આધેડ તથા તેમનો ભત્રીજો જયદીપ પોરબંદરથી રાણાવાવ ઘરે આવતા હતા ત્યારે રાણાવાવ મહેર સમાજ પાસે ફૂલ સ્પીડે આવેલા બાઈકચાલકે ઠોકર મારી દેતા ગંભીર રીતે ઘવાયા હતા. બીજા બનાવમાં આદિત્યાણા બાયપાસ રોડ પાસે રહેતા અને મજૂરી કામ કરતા મનસુખ હીરાભાઈ સાદિયા નામના 32 વર્ષના યુવાનનાં બાઈકને આદિત્યાણા જતા રસ્તે એક રિક્ષાચાલકે અડફેટે લેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા.

ત્રીજી ઘટનામાં રાતિયા ગામે વાડી વિસ્તારમાં રહેતો અને ખેતીકામ કરતો વિક્રમ કાનાભાઈ ઓડેદરા નામનો 22 વર્ષનો યુવાન તથા તેના મામાનો દીકરો અજીત નથુભાઈ રાતીયા બન્ને બાઈક પર ઓડદર ગામના બાયપાસ પાસે પહોંચ્યા ત્યારે ફુલ સ્પીડમાં આવલા બોલેરો કારચાલકે અડફેટે લેતા બન્નેને ગંભી ઈજા થઈ હતી. જે ત્રણેય ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Budget 2024 LIVE