• મંગળવાર, 23 એપ્રિલ, 2024

પોરબંદરથી દીવ સુધીના ‘સૌરાષ્ટ્ર નૌકાયાન અભિયાન’ની શરૂઆત

ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત સમુદ્રમાં નેવલ એન.સી.સી. કેડેટસ માટે થયું આયોજન

 

પોરબંદર, તા.21: ગુજરાતના સમુદ્રમાં પહેલી વખત નેવલ એન.સી.સી.ના કેડેટસ માટે સૌરાષ્ટ્ર નૌકાયાન અભિયાનની શરૂઆત થઇ છે. જેમાં 75 જેટલા કેડેટસ અને તેમના માર્ગદર્શકો જોડાયા છે. આ અભિયાન અંતર્ગત પોરબંદરથી દીવ સુધીની 245 કિ.મીની દરિયાઇ સફરનું અંતર કાપીને તેઓ પહેલી માર્ચ સુધીમાં દીવ પહોંચશે તેમ જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્ર નૌકાયાન અભિયાનની ફલેગ ઓફ સેરેમનીનું પોરબંદર નેવલ જેટી ખાતે આયોજન થયું હતું. એન.સી.સી. ગ્રુપ હેડક્વાર્ટર જામનગર તથા સેવન ગુજરાત લેવલ એન.સી.સી. વેરાવળના ઉપક્રમે થયેલા આ આયોજનમાં 75 જેટલા યુવક-યુવતીઓ સહિત તેના માર્ગદર્શકો પહેલી વખત દરિયામાં નૌકા મારફતે પોરબંદરથી દીવ જવા રવાના થયા હતા. જોમ અને જુસ્સા સાથે નૌકાયાનમાં એન.સી.સી. કેડેટે દરિયો ખેડવાનું શરૂ કર્યુ હતું.

પોરબંદરથી દીવ સુધીના આ નૌકાયાનમાં 75 જેટલા ગુજરાતભરમાંથી પસંદગી કરાયેલા એન.સી.સી. યુનિટના યુવક યુવતીઓ જોડાયા હતા. પોરબંદરના ઓલવેધર પોર્ટ ખાતે નવી જેટી ખાતે નેવીના એડમીરલ અનિલ જગ્ગીએ નૌકાયાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. 

એન.સી.સી.ના જામનગરના કમાન્ડર એચ. કે. સિંધે એવું જણાવ્યું હતું કે એન.સી.સી.ના કેડેટમાં સાહસવૃત્તિ કેળવાય તેવા આશયથી સૌ પ્રથમ વખત પોરબંદરથી દીવ સુધીના નૌકાયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીકે વહેલરબોટની મદદથી કેડેટ દરિયો ખેડશે તેમની સુરક્ષા માટે નેવીની બે શિપ અને એક સ્પીડબોટ પણ સાથે રહેશે. ત્રણ ડીકે વહેલર બોટ સાથે દરિયાઇ સફરનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરથી 245  કિ.મી. દૂર દીવ સુધીના સમુદ્રમાં અલગ અલગ બંદરો ઉપર તેઓ રોકાણ પણ કરશે. પોરબંદરથી રવાના થયા બાદ નવીબંદર માંગરોળ, વેરાવળ, મૂળ દ્વારકા સહિતના બંદરો ઉપર તેઓ રોકાશે અને અલગ અલગ પ્રકારના સાહસિક અનુભવો પ્રાપ્ત કરશે.

એન.સી.સી.નેવલ કેડેટના યુવક-યુવતીઓ પોરબંદરથી દીવ હલેસા મારીને જવા રવાના થયા ત્યારે એવું જાહેર થયું હતું કે અગાઉ ભૂતકાળમાં ડેમમાં આ પ્રકારના આયોજન કરવામાં આવતા હતા. ભૂતકાળમાં કચ્છના ટપ્પર ડેમમાં આવી સાહસિક પ્રવૃત્તિ થતી હતી પરંતુ સમુદ્રમાં પ્રથમ વખત આયોજન થયું છે જેના લીધે આયોજકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક