• મંગળવાર, 23 એપ્રિલ, 2024

જામનગરમાં ફિલ્મી સિતારાનો જમાવડો :  અંબાણી પરિવારના પુત્ર અનંતના પ્રિ-વેડિંગની ધામધૂમ

-શાહરૂખ ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જહાન્વી કપૂર સહિતના કલાકારોના આંટાફેરા

-મુંબઈ-દિલ્હીથી વિમાનોની સતત આવન-જાવન : મહેમાનો માટે ડ્રેસકોડ રખાયો

જામનગર, રાજકોટ, તા. 22 (ફૂલછાબ ન્યૂઝ): દેશ અને વિશ્વના સૌથી ધનિક પૈકીના એક એવા ગુજરાતી પરિવાર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ સમારોહ તારીખ 1થી 3 માર્ચ દરમિયાન જામનગર ખાતે યોજાઈ રહ્યો છે. જેની ધૂમ સમગ્ર જામનગરમાં મચી રહી છે. 

રિલાયન્સ પરિવારે આ સમારોહને પ્રિ-વેડિંગ તરીકે જાહેર કર્યો છે. જોકે આ સમારોહ જાજરમાન લગ્નોત્સવથી વિશેષ બની રહેશે. રિલાયન્સનાં આંગણે યોજાતા લગ્ન પૂર્વેના આ સમારોહમાં ડાન્સનો જલવો તથા અન્ય કાર્યક્રમોમાં સહભાગી થવા બોલિવૂડના સિતારાઓ શાહરૂખ ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જહાન્વી કપૂર સહિતના રિહર્સલ માટે અને અન્ય તૈયારીઓ માટે મુંબઈથી જામનગર વચ્ચે વિમાનમાં આંટાફેરા કરી રહ્યા છે. કેટલાક ફિલ્મી કલાકારો તો સમારોહના સમાપન સુધી અહીંયા જ રોકાઈ રહેશે એવું પણ જાણવા મળ્યું છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વિવાહનો સમારોહ અનોખો બની રહે તે માટે રિલાયન્સ પરિવાર દ્વારા આમંત્રિત મહેમાનો માટે ત્રણેય દિવસના જુદા જુદા ડ્રેસ કોડ રાખવામાં આવ્યા છે. આમંત્રિતો માટે મુંબઈ ઉપરાંત દિલ્હીથી જામનગર વિમાન માટેની વ્યવસ્થા કરાઈ છે.

આ વિવાહનાં આમંત્રણ કાર્ડમાંથી ડ્રેસ કોડની વિગતો પણ દર્શાવવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે સાંજે એલિગન્ટ કોકટેલ, બીજા દિવસે જંગલ ફીવર અને મેલામાં ડેઝલિંગ દેસી અને ત્રીજા દિવસે કેઝ્યુઅલ ચીક-હેરીટેજ ઇન્ડિયન ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

વોર્ડરોબ પ્લાનરમાં કેવી રીતે જામનગર પહોંચવું, કેટલો સામાન સાથે રાખવો, કઈ ઇવેન્ટમાં કેવો પોશાક પહેરવો, હેર સ્ટાઇલ અને મેક અપ કેવા પ્રકારનો કરવો વગેરે બધા પ્રકારની માહિતી વિસ્તારથી આપવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક