અનેક શફત, જિલ્લા
પોલીસ વડાઓ મુકાયા
જામ ખંભાળીયા તા.22: આગામી તા.25મીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દ્વારકા તથા બેટ દ્વારકાની મુલાકાતના સંદર્ભમાં રેવન્યુ વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સજ્જ થયું છે તથા રોજ અનેક સ્થળે મુલાકાત અને મીટીંગોનો દોર વ્યાપક થવા માંડ્યો છે.
વહીવટી તંત્રની અનેક બેઠકો અગ્ર સચિવ હારીત થુકળ તથા પ્રભારી સચિવ મુકેશ પંડ્યા દ્વારા લેવામાં આવી હતી. તથા મોદીની મુલાકાતના તમામ સ્થળો સિગ્નેચર બ્રિજ, એન.ડી.એચ.નું સભા મેદાન, દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા મંદિર સહિતના સ્થળોએ ખાસ વ્યવસ્થા તથા આયોજનના ડેમો પણ કરાઈ રહ્યા છે. કલેક્ટર જી.ટી.પંડ્યા, નિવાસી કલેક્ટર ભુપેશ જોટાણીયા, ડી.ડી.ઓ. એસ.ડી.ધાનાણી તથા અન્ય જિલ્લાઓમાંથી મુકાયેલા પાંચ અધિક નિવાસી કલેક્ટરો, પાંચ ડેપ્યુટી કલેક્ટરો તથા પાંચ મામલતદારો પણ આ કામગીરીમાં જોડાયા છે.
દ્વારકા જિલ્લામાં 2014 પછી લાંબા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય તેમના આગમનના સંદર્ભમાં ચુસ્ત વ્યવસ્થા અને આયોજન હાથ ધરાયુ છે. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ બેટ દ્વારકા, દ્વારકા, ઓખા, જગત મંદિર, બેટ દ્વારકા મંદિર, સિગ્નેચર બ્રિજ વિ. તમામ સ્થળોની રોજ મુલાકાત સાથે સભા સ્થળની સુરક્ષા અંગે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી નવ જેટલા જિલ્લા પોલીસ વડાઓ, અન્ય જિલ્લાઓમાંથી 25 ડી.વાય.એસ.પી.ઓ, 60 પોલીસ ઇન્સ્પેકટરો, 70 જેટલા પી.એસ.આઈ તથા 1500 જેટલા પોલીસ કોન્સ્ટેબલો, જી.આર.ડી. હોમગાર્ડઝ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે જે તા.24થી જ તમામ સ્થળે ચાલુ થઈ જશે.
બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજના સમગ્ર વિસ્તારમાં શરૂઆતથી અંત સુધી તથા પુલના ઉદ્દઘાટન વખતે તથા સમગ્ર દિવસમાં વડાપ્રધાનની મુલાકાતના સંદર્ભમાં સિગ્નેચર પુલની પાસેના વિસ્તારોમાં બોટ પેટ્રોલીંગ સાથે બોટ પર પોલીસની સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવાની સાથે બેટ દ્વારકા મોદી મંદિરે દર્શન કરવાના હોય બેટના અનેક વિસ્તારોમાં ઘરની અગાશીઓ પર દૂરબીન સાથે પોલીસની વ્યવસ્થા પણ કરાઈ છે.