• શનિવાર, 27 જુલાઈ, 2024

સોનું મહિનામાં રૂ.5500 મોંઘું લગ્નસરાની માગને ફટકો સોનું હાથમાંથી નીકળી ગયાની મધ્યમ વર્ગની લાગણી

રાજકોટ, તા.2(ફૂલછાબ ન્યૂઝ) : સોનાના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે અને રોજ નવી ઊંચાઈનો વિક્રમ બનાવી રહ્યા હોવાથી ઘરાકી ઠપ થઈ ગઈ છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સુવર્ણ વપરાશકર્તા ચીન પછી ગણાય છે જ્યાં માગ છેલ્લા એક મહિનાથી નહીંવત્ છે. રાજકોટની સોની બજાર અને પેલેસ રોડ પરની સુવર્ણ બજારમાં ગ્રાહકોની સંખ્યા સાવ ઘટી ગઈ, ઘણી નાની દુકાનોએ બોણી થવાની પણ સમસ્યા છે.

પાછલા એક મહિનામાં સોનાના ભાવમાં 7 - 8 ટકાની તેજી થઈ ગઈ છે. 1 માર્ચના દિવસે રાજકોટમાં સોનાનો ભાવ 24 કેરેટ શુધ્ધતામાં રૂ. 63,800 હતો તે રૂ. 69,000 સુધી પહોંચી ચૂક્યો છે. આંખના પલકારામાં ભાવ રૂ.5200 જેટલા વધી જતા માગ પર અસર પડી છે.

રાજકોટના ઝવેરીઓ કહે છે કે, અત્યાર સુધી હોળાષ્ટકનો સમય હતો. હવે લગ્નગાળાની સીઝન આવી છે પણ લોકો ખરીદીમાં કાપ મૂકતા થઈ ગયા છે. સોનું હાથમાંથી નીકળી ગયું હોય એવો ઘાટ છે. રાહ જોવા ઇચ્છતો વર્ગ હાથ ઘસતો રહી ગયો છે. હવે જે ઘરોમાં પ્રસંગ નજીક (જુઓ પાનું 10)

 આવી રહ્યો હોય કે પ્રસંગ માથે આવી ગયો હોય એ જ ખરીદીમાં નીકળે છે.

વધતા ભાવને લીધે બજેટમાં મોટો વધારો થઈ ચૂક્યો છે ત્યારે લોકો ખરીદી ટાળીને રાહ જોવાનું પણ પસંદ કરી રહ્યા છે. જોકે ઇન્વેસ્ટર વર્ગ કે જે સોનાને 58-59 હજારથી કવર કરી રહ્યો છે તે હવે વેચવા માટે મન મનાવી રહ્યો છે.

પેલેસ રોડ પરના એક ઝવેરી કહે છે કે, ક્રેપની આવક હજુ ઓછી છે પણ ભાવ 70 હજાર સુધી આવે તો વેચવાલી એકદમ વધી જશે. અલબત્ત, સામે ઉઠાવ નહીં હોવાથી સ્ટોક જમા થતો જશે. વૈશ્વિક બજારમાં ભૂરાજકીય ચિંતાને કારણે સટ્ટો બેફામ બન્યો છે એટલે ભાવની વધઘટ પણ લોકલમાં ખૂબ થાય છે એનાથી વેપારને ધક્કો પહોંચ્યો છે.

માર્ચ મહિનામાં પણ સોનાના ભાવ ઊંચા હતા એટલે આયાત આગલા મહિના કરતા 90 ટકા કપાઈ ગઈ હતી. માર્ચમાં 10-11 ટન જેટલી થયેલી નબળી આયાત ઘરાકીની સ્થિતિ કેટલી હદે કથળી છે તે સૂચવે છે.

જોકે સોનાના ભાવમાં વધારો થયો તેની તુલનાએ ચાંદી ઓછી વધી છે. માર્ચના આરંભે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 69,700 હતી તે એપ્રિલના પહેલા દિવસે રૂ. 73,500નાં મથાળે હતી. સાડા ચારથી પાંચ ટકા તેજી થઈ શકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક