બે મહિનામાં 74,415 ટનની નિકાસ થઇ ગઇ, ચીન ઉપરાંત મધ્યપૂર્વના દેશો અને બાંગ્લાદેશ સક્રિય
જીરું બજારના તેજી-મંદીના ગણિત એક જ મહિનામાં બદલાઇ ગયા ! તેજી ટકશે કે કરેક્શન આવશે ?
રાજકોટ, તા.14 (ફૂલછાબ ન્યૂઝ) : જીરુંની મંદીને લીધે કિસાનોની દશા બગડી ગઇ છે પણ નિકાસ મોરચે ભારતનો ડંકો વાગ્યો છે. નાણાકિય વર્ષના આરંભના બે મહિનામાં ભારતને નીચાં ભાવનો લાભ મળ્યો છે, ભારતે માર્ચ અને એપ્રિલમાં બમ્પર નિકાસ કરી છે. પાછલા બે વર્ષની તુલનાએ 209 ટકાનો જોરદાર વધારો નોંધાયો છે.
નિકાસકારો પાસેથી પ્રાપ્ત થયેલા નવીનતમ આંકડાઓ પ્રમાણે માર્ચ અને એપ્રિલના ગાળામાં ભારતમાંથી કુલ 74,415 ટનની નિકાસ થઇ હોવાનો અંદાજ છે. જે 2023-24માં 37,317 ટન અને 2022-23માં 24,072 ટન હતી. 2024-25માં માર્ચ મહિના દરમિયાન 33,230 ટન અને એપ્રિલમાં 41,185 ટનની નિકાસ કરવામાં આવી છે. બન્ને મહિનાઓમાં રેકોર્ડબ્રેક નિકાસ થવા પામી છે.
ગયા વર્ષે જીરુંની બજારમાં તેજીના સમયે રૂ. 13000 પ્રતિ મણના ભાવ થયા હતા. ચાલુ વર્ષના બમ્પર પાક પછી ભાવ રૂ.4200-4300 સુધી ઘટીને અત્યારે રૂ. 5600 સુધી પહોંચી ચૂક્યાં છે. મહિનામાં રૂ. 1300ની તેજી નિકાસના જોરથી થઇ છે.
ઉંઝાના એખ અગ્રણી નિકાસકાર કહે છે, માર્ચ અને એપ્રિલ મહિનામાં નિકાસના આંકડાઓ ખૂબ જ સારાં આવ્યા છે. પાછલી બે સીઝન કરતા વધારે નિકાસ આ બે મહિનામાં થઇ છે. જોકે તેમના મતે માર્ચ અને એપ્રિલનો આંકડો ઐતિહાસિક ગણાય એવો છે. આ ગાળામાં નીચાં ભાવને લીધે મધ્યપૂર્વના દેશો, ચીન અને બાંગ્લાદેશ દ્વારા ખૂબ ખરીદી થઇ છે. અલબત્ત હવે ચીનની માગ ઘટી ગઇ છે પણ બાંગ્લાદેશ સક્રિય છે. આ નિકાસકારે કહ્યું કે, એપ્રિલ અને મે મહિનો રાજસ્થાનની આવકનો ગણાય છે પણ રાજસ્થાનના ખેડૂતોની વેચવાલીમાં ખૂબ કાપ મૂકાય ગયો છે. ખેડૂતો મક્કમ થઇ જતા સ્ટોકનો પુરવઠો હાથ પર રાખી રહ્યા છે. એની અસરે આવક તૂટી ગઇ છે. ઉંઝા બજારમાં મે મહિનામાં 20થી 25 હજાર ગુણીની આવક થાય છે. આવકની તુલનાએ માગ વધારે છે એટલે તેજીનું કારણ બન્યું છે. નિકાસ ઉપરાંત લોકલ માગ પણ મહિનામાં ખૂબ સારી રહી છે. દેશમાં જીરૂનું ઉત્પાદન ફિસ દ્વારા 1.10 કરોડ ગુણી ધારવામાં આવ્યું છે એમાં કોઇ ખાસ ફેરફાર નહીં આવે તેમ અભ્યાસુઓ વિશ્વાસપૂર્વક કહી રહ્યા છે.