• સોમવાર, 27 મે, 2024

રાજ્યના મોટા ભાગનાં જળાશયો ખાલી થવામાં

ભીડ પડી ત્યારે ભાદરે બતાવ્યું પાણી ઓગસ્ટ સુધી ચાલે એટલો જળ જથ્થો 

ભાદર ડેમ પર નિર્ભર ગામોને પીવાનાં પાણી અંગે ખૂબ મોટી રાહત

જેતપુર, તા. 14 : સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ કે જેમાંથી જેતપુર, રાજકોટ, અમરનગર જૂથ યોજના, ખોડલધામ અને વીરપુરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ગત વર્ષના સારા વરસાદને કારણે ભાદર ડેમમાં હજુ 850 એમસીએફટી પાણીનો હયાત જથ્થો હોઈ આ જથ્થો ઓગસ્ટ મહિના સુધી ચાલે તેમ હોવાથી ભાદર ડેમ પર નિર્ભર ગામોને પીવાનાં પાણી અંગે ખૂબ મોટી રાહત થઈ છે. ભીડ પડી ત્યારે ભાદરે પાણી બતાવ્યું છે.  રાજ્યમાં મોટા ભાગના જળાશયોમાં પાણીનો જથ્થો તળિયે પહોંચી ગયો છે અથવા તો ખાલીખમ થઈ ગયા છે ત્યારે ભાદર ડેમ આધારિત મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત માટે પાણી બાબતે ઓગસ્ટ મહિના સુધી ચિંતાનો કોઈ વિષય નથી. ભાદર ડેમ ગત ચોમાસામાં સારા વરસાદને કારણે ચારથી પાંચ વાર ઓવરફ્લો થયો હતો. જેથી જેતપુર, રાજકોટ, અમરનગર જૂથ યોજના, ખોડલધામ અને વીરપુરને પીવાનાં પાણીનો જથ્થો પૂરો પાડતા આ ડેમમાં પૂરતી જળરાશી સંગ્રહિત થય જતા સ્થાનિક પ્રશાસનને ખૂબ મોટી રાહત થઈ હતી.

ભાદર ખાલી થઈ જાય તો પણ જેતપુર પાસે અન્ય વિકલ્પ

જેમાં જેતપુર નગરપાલિકા શહેરમાં આઠ ટાંકી દ્વારા એકાંતરાં પાણીનું વિતરણ કરે છે અને તે માટે ડેમમાંથી નિયમિત 15 એલએલડી પાણીનો જથ્થો ઉપાડે છે અને જો ભાદર ડેમમાં પાણી ડૂકી જાય તો પણ જેતપુર નગરપાલિકા પાસે ખીરાસરા ગામ પાસેથી શહેરમાં આવેલ સંપ સુધી નર્મદાની લાઇન છે એટલે ભાદર સિવાય નર્મદા પણ પાણી માટે વિકલ્પ હોવાનું વોટર વર્કસ શાખાના સુપરવાઇઝર દિવ્યેશ ઉમરેટિયાએ જણાવ્યું હતું જ્યારે ડેમમાં હાલ પાણીની સપાટી 13.50 ફૂટ એટલે ડેમમાં 8.50 એમસીએફટી પાણીના જથ્થો છે અને આ જથ્થો ઉપરોક્ત તમામ ગામોને ઓગસ્ટ મહિના સુધી ચાલે તેમ હોવાથી પાણીની ચિંતાનો કોઈ વિષય ન હોવાનું ડેમના ઇજનેર મિતેષ મોવલિયાએ જણાવ્યું હતું. દરમિયાન ભોજાધાર વિસ્તારમાં ઘણા સમયથી ગટર મિશ્રિત દુર્ગંધ મારતું દૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિક રહેવાસી હરેશભાઈ શીલુએ જણાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક