• શનિવાર, 27 જુલાઈ, 2024

ગેરરીતિના આક્ષેપો કરનાર સામે રાજકોટ નાગરિક બેન્ક કરશે બદનક્ષીનો દાવો

બેંકને કેટલાક તત્વો બદનામ કરવા નિકળ્યા છે, બેંકને બચાવવાની આડમાં નિકળેલા અમુક લોકો તો ડિફોલ્ટરો છે

રાજકોટ, તા. 25 (ફૂલછાબ ન્યૂઝ): રાજકોટ નાગરિક સહકારી બેન્ક વિરુદ્ધ થઇ રહેલા આક્ષેપોથી વિવાદ વધારે ઘેરો બન્યો છે. નાગરિક બેન્ક બચાવો સંઘ નામની સંસ્થા સામે બેંક દ્વારા હવે બદનક્ષીનો દાવો કરવાની કાર્યવાહી હાથ ધરાશે.  ગઇકાલે નાગરિક બેન્ક બચાવો સમિતિના ચંદુભા પરમાર અને મનિષ ભટ્ટે કાલબાદેવી બ્રાંચમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અત્યંત ગંભીર વિગતો જાહેર કરી હતી અને રિઝર્વ બેંકની ક્લિન ચીટ જાહેર કરવા પણ પડકાર ફેંક્યો હતો.

આજે બેંકના મીડિયા કો-ઓર્ડિનેટર દ્વારા જાહેર થયેલી સત્તાવાર યાદી અનુસાર બેંક બચાવો સંઘની સ્થાપના માત્ર થોડા જ કલાકોમાં બેંકની જ વડોદરા શાખાના મોટા ડિફોલ્ટર હોટેલ ઓમ રીઝન્સી દ્વારા કરવામાં આવી છે અને બેંક દ્વારા હાથ ધરાયેલી વસૂલાતની પ્રક્રિયાની રોકવા માટે દબાણ થતું હોવાની શંકા લાગે છે. સંસ્થાના પ્રમુખ ચંદુભા પરમાર અને તેમના પરિવાર દ્વારા ભૂતકાળમાં બેંક સાથે કરોડો રૂપિયાની ગોલમાલ થઇ છે. ચંદુભા પરમારના એકથી વધુ ઇજાફા બેંકે રોક્યા છે. સંસ્થાના મહામંત્રી બનેલા વિબોધ દોશીને તાજેતરમાં બેંકની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

આ સંસ્થાના એક હોદ્દેદારે ભૂતકાળમાં બેંકના ખાતેદાર સામેની વસૂલાત રોકવા માટે બેંક વિરુદ્ધ અખબારમાં માહિતીઓ પહોંચાડી હોવાથી તેમને પણ નોટિસ અપાઇ હતી. હવે જ્યારે આ તત્વો બેંકને બદનામ કરી રહ્યા છે ત્યારે બેંક દ્વારા તેમના વિરુદ્ધ બનદક્ષીનો દાવો માંડવામાં આવશે તેવું સત્તાવાર રીતે જાહેર થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક