• મંગળવાર, 25 જૂન, 2024

જૂનાગઢ-વિસાવદર ટ્રેનની સ્પીડ ઘટાડવા રેલ તંત્ર સહમત : સાસણમાં યોજાઇ બેઠક સિંહોની અવર-જવરવાળા સ્થળોએ અવલોકન કરવા આદેશ

જૂનાગઢ, તા.25: અમરેલી બાદ સોરઠમાં સિંહોના કમોત અટકાવવા આજે સાસણ સિંહ સદનમાં વન તંત્ર અને રેલ તંત્રની ડિવિઝન કક્ષાની મળેલી બેઠકમાં જૂનાગઢ- વિસાવદર ટ્રેનની સ્પીડ ઘટાડવા રેલ તંત્રએ સંમતિ દર્શાવી હતી તેમજ સિંહોના ટ્રેક ઉપર અવર- જવરવાળા સ્થળોએ અવલોકન કરવાના આદેશ અપાયા હતા.

રેલવે ટ્રેક ઉપર સિંહોના કમોત મુદ્દે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રેલતંત્ર નરમ પડયું છે અને અમરેલી જિલ્લામાં રેલવેએ સ્પીડ ઘટાડવાનો અમલ શરૂ કર્યો છે એટલું જ નહી દર માસે આર.એફ.ઓ. અને સ્ટેશન માસ્તર વચ્ચે બેઠક યોજવાનું નક્કી થયું છે તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દર ત્રણ માસે ફરજીયાત બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અંતર્ગત આજે સાસણ ખાતે ડિવિઝન કક્ષાની બેઠક યોજાઇ હતી. તેમાં ગીર પશ્ચિમ જૂનાગઢ નોર્મલ ડિવિઝન, જૂનાગઢ વિસ્તરણ ડિવિઝન અને તે વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનના અધિકારીઓ જોડાયા હતા.

જૂનાગઢ વન વિભાગ દ્વારા વિસાવદર- જૂનાગઢ ટ્રેનની સ્પિડ ઘટાડવા માંગણી કરતા રેલ અધિકારીઓએ સંમતિ આપી હતી. આગામી દિવસોમાં આ ટ્રેનની સ્પીડ ઘટાડવાનો અમલ કરાશે. જે વિસ્તારમાં સિંહોની અવર- જવર છે તે તમામ વિસ્તારોમાં ટ્રેનના લોકો પાઇલોટ (ડ્રાઇવર)ને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે.

તેમજ વન વિભાગના કર્મચારીઓને પણ ટ્રેનની અવર- જવરના સમય દરમિયાન ખાસ અવલોકન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પીપાવાવ બાદ હવે વિસાવદર, સાસણ, તાલાળા, વેરાવળ, ઉના, જૂનાગઢ સહિતના વિસ્તારોમાંથી ટ્રેન પસાર થાય છે તેવા વિસ્તારોમાં ત્યાં સિહોની વધુ અવર- જવરવાળા ‘હોટસ્પોટ’ વિસ્તાર નક્કી કરવા તજવીજ શરૂ કરી છે.

જૂનાગઢ વન વિભાગ દ્વારા જૂનાગઢ- વિસાવદર ટ્રેનની સ્પિડ ઘટાડવા રેલ તંત્ર પાસે માંગ કરવામાં આવી તેમાં જણાવ્યું હતું કે આ ટ્રેક ઉપર દિવસમાં ચાર વખત ટ્રેનની અવર- જવર થાય છે તેમાં વહેલી સવારે અને સાંજે જૂનાગઢ- બિલખા વચ્ચે રેલવે ટ્રેક ઉપર સિંહોની અવર-જવર જોવા મળે છે અને વારંવાર ટ્રેનને થંભાવી દેવી પડે છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક