• મંગળવાર, 25 જૂન, 2024

રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું

ઈજાગ્રસ્તોને મળીને સાંત્વના પાઠવી : ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજીને જવાબદારો સામે કડક કાર્યવાહીની સ્પષ્ટ સૂચના આપી

 

રાજકોટ, તા.26 :રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, શહેર તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે રાજકોટમાં એઈમ્સ તથા અન્ય હોસ્પિટલ, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે, તેની મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને અપાઈ રહેલી સારવારની વિગતો મેળવી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા નિર્દોષ વ્યક્તિઓના પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી અને શોકસંતપ્ત પરિવારોના દુ:ખમાં સહભાગી થયા હતા. રાજ્ય સરકાર આ કપરી વેળાએ આપદગ્રસ્તોની પડખે ઊભી છે, એવો વિશ્વાસ આપ્યો હતો.

રાજકોટમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા બચાવ, રાહતના પગલાં, ઈજાગ્રસ્તોની સારવારનો ત્વરિત પ્રબંધ વગેરે અંગે હીરાસર એરપોર્ટ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ આ સમગ્ર દુર્ઘટનાની તલસ્પર્શી તપાસ કરીને દુર્ઘટનામાં જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા પણ સ્પષ્ટ સૂચના આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક