• મંગળવાર, 25 જૂન, 2024

જૂનાગઢમાં રૂ.500 ઉછીના આપવાનો ઈનકાર કરનાર યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

હત્યારા પાડોશી શખસની ધરપકડ: યુવાનપુત્રની હત્યાના આઘાતમાં માતા બેભાન થઈ ગઈ

જૂનાગઢ, તા.10 : સક્કરબાગ વિસ્તારમાં રહેતા યુવાને રૂ.પ00 ઉછીના આપવાનો ઈનકાર કરતા પડોશી શખસે છરીના ઘા ઝીકી હત્યા કરી નાખ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી હત્યારા પડોશી શખસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, સક્કરબાગ વિસ્તારના રામદેવપરામાં રહેતો સંજય ભુપત મકવાણા નામનો યુવાન ઘર પાસે હતો ત્યારે પડોશમાં રહેતો દેવા ઉર્ફે લીંડી ચૌહાણ નામનો શખસ આવ્યો હતો અને સંજય મકવાણા પાસે રૂ.પ00 ઉછીના માંગ્યા હતા. આથી સંજય મકવાણાએ ના પાડતા દેવા ઉર્ફે લીંડી ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરી સંજય મકવાણાને છરીના ઘા ઝીકી નાસી છુટયો હતો અને ગંભીર રીતે ઘવાયેલા સંજય મકવાણાને પરિવારજનોએ હોસ્પિટલમાં ખસેડયો હતો. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં મૃતક સંજય  પાસે પડોશી દેવા ઉર્ફે લીંડીએ રૂ.પ00 ઉછીના માંગ્યા હોય તે નહી આપતા છરીના ઘા ઝીકી હત્યા કરી નાખ્યાનું ખુલ્યું હતું. પોલીસે મૃતક સંજયના ભાઈ અરવીદ ઉર્ફે ગગન ભુપત મકવાણાની ફરિયાદ પરથી હત્યારા દેવો ઉર્ફે લીંડી ચૌહાણ સામે ગુનો નોંધી ઝડપી લીધો હતો. આ હત્યાના બનાવના પગલે જુવાનજોધ પુત્રની હત્યાના આઘાતમાં માતા રંજનબેન બેભાન થઈ જતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક