સીએમને કરી રજૂઆત
અમદાવાદ, તા.10: અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. નોંધનીય છે કે, ધારાસભ્ય દ્વારા આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી ફરિયાદ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જમાલપુર વિસ્તારમાં આવેલી ખાંડની શેરી પાસે રહેતા નસીમ ઈકબાલ ખેડાવાલા (ઈમરાન ખેડાવાલાના ભત્રીજી)એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ઈરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી (રહે. ખાંડની શેરી, જમાલપુર) વિરૂદ્ધ જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. નસીમ ખેડાવાલા તેમના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે.
ગઈકાલે નસીમ ખેડાવાલા ઘરે જમી રહ્યા હતા, ત્યારે તેમની પાડોશમાં ઓફિસ ધરાવતો ઈરફાન ઉર્ફે સ્ટીલ નાગરી જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો. બહાર જોઈને જોયું તો ઈરફાન તેમના કાકી શમીમ ફિરોઝ ખેડાવાલાને ધમકી આપી રહ્યો હતો. જે બાદ નસીમ ખેડાવાલા કાકી પાસે પહોંચ્યા હતા.
આ દરમિયાન ઈરફાને બેફામ ગાળો આપીને ધમકી આપી હતી કે, તમારે આ મકાન બનાવવું હોય તો મારી માતા સાથે વાત કરો, નહીં તો હું મકાન બનાવવા નહીં દઉં. તેણે ધમકી આપતા કહ્યું હતું કે, જો મારી વિરૂદ્ધ ફરિયાદ કરી તો સવાર નહીં પડવા દઉં અને સવારમાં કોઈ એકની વિકેટ પાડી દઈશ. તારા કાકા ઈમરાન ખેડાવાલાને પણ જાનથી મારી નાખીશ. ધમકી આપ્યા બાદ ઈરફાન નાગોરી ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ નસીમે કાકા ઈમરાન ખેડાવાલાને આ અંગેની જાણ કરી હતી અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ઈરફાન નાગોરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.