• મંગળવાર, 25 જૂન, 2024

લોકસભાના ઇતિહાસમાં પોરબંદરને પ્રથમ વખત મળ્યું કેબિનેટમાં સ્થાન

ઔદ્યોગિક રીતે પછાત એવા પોરબંદરનો હવે વિકાસ થાય તેવી મતદારોએ વ્યક્ત કરી આશા 

પોરબંદર, તા.10 : ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા તેની સાથોસાથ 72 મંત્રીએ પણ શપથ લીધા હતા. જેમાં પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયાનો પણ સમાવેશ થયો છે ત્યારે પોરબંદર મતવિસ્તારનો હવે વિકાસ ઝડપી બનશે તેવી આશા-અપેક્ષા લોકો રાખી રહ્યા છે, કારણ કે લોકસભાના ઇતિહાસમાં પોરબંદરને કેબિનેટ મંત્રી પદ મળ્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે.  લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોરબંદરની સીટ પરથી ભાજપના ઉમેદવાર ડો. મનસુખભાઈ માંડવિયાએ 3,83,000 મતની જંગી લીડથી ચૂંટાઈને સર્વોપરીતા સિદ્ધ કરી છે ત્યારે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે મોદી સરકાર 3.0ના મંત્રીમંડળમાં ફરી વખત તેમનો પણ કેબિનેટ મંત્રી તરીકે સમાવેશ થયો છે ત્યારે પોરબંદરના વિકાસના સંજોગો હવે ઉજળા જણાઈ રહ્યા છે. પોરબંદરના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો સર્વ પ્રથમ વખત એવું બન્યું છે કે, પોરબંદરના ચૂંટાયેલા સાંસદને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે કારણ કે આઝાદીથી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના 12 સાંસદ કેન્દ્રીય મંત્રી બન્યા છે, જેમાં હવે પોરબંદરના ડો. મનસુખભાઈ માંડવિયાનો પણ વર્ષ 2024માં સમાવેશ થયો છે. 

ભાવનગર-પાલિતાણાના વતની ડો.મનસુખભાઈ માંડવિયા ભાજપના દિગ્ગજ નેતા છે અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં કપરા કોરોનાકાળ સમયે જ તેમને કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકેની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. હવે પોરબંદરની બેઠક પરથી ભવ્ય વિજય મેળવ્યા બાદ નવા મંત્રીમંડળમાં તેમને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે પોરબંદરનો વિકાસ આસમાનને આંબશે તેવું સ્થાનિક લોકોને જણાઈ રહ્યું છે, કારણ કે પોરબંદરમાં વર્ષોથી ઉદ્યોગો ક્ષેત્રે ખાસ કોઈ વિકાસ થયો નથી અને ઔદ્યોગિક વિકાસ નહીં થવાને લીધે પોરબંદરમાં બેરોજગારી અને ગરીબાઈનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. હવે કેન્દ્રીય લેવલે નવા સાંસદ પોરબંદર મત વિસ્તારને કેટલું અપાવી શકશે તે આગામી સમયમાં સ્પષ્ટ થઈ જશે.

પોરબંદરની વિમાની સેવા પુન: શરૂ કરાવે તે જરૂરી

પોરબંદરની વિમાની સેવા બંધ થઈ ગયાને ત્રણેક વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને તેમ છતાં હજુ સુધી ફ્લાઇટ શરૂ કરાવી શકવામાં તંત્રવાહકો નિષ્ફળ ગયા છે. જેથી હવે નવા સાંસદ ડો. મનસુખ માંડવિયા કેબિનેટ મંત્રી બન્યા છે  ત્યારે પહેલું કામ પોરબંદરની બંધ વિમાની સેવા શરૂ કરાવે તેવી લાગણી પ્રવર્તી રહી છે, કારણ કે પોરબંદરથી અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની બંધ થયેલી ફ્લાઇટો પુન: શરૂ થાય અને પોરબંદરનું એરપોર્ટ ફરીથી ધબકતું અને ધમધમતું થાય તે ઇચ્છનીય છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક