• મંગળવાર, 25 જૂન, 2024

વાવણી પૂર્વે નવી મગફળીની આવકમાં તીવ્ર વધારો

ઉત્તર ગુજરાતનાં મોટા સેન્ટરોમાં કિસાનોની વેચવાલીથી આવક વધવા માંડી

રાજકોટ, તા. 10: (ફૂલછાબ ન્યૂઝ) : ચોમાસું બેસું બેસું થઈ રહ્યું છે ત્યારે એક તરફ ખેડૂતો વાવણીમાં વ્યસ્ત થઈ રહ્યા છે. ખેડૂતો મગફળીનું વાવેતર કરવા માટે આ વખતે વધારે રસ લઈ રહ્યા છે. જોકે એ દરમિયાન ઉનાળુ મગફળીની વેચવાલી વધતા તીવ્ર આવક થવા માંડી છે. ડિસા, પાલનપુર, પાથાવાડા તથા તલોદ પંથકમાં ખેડૂતો માલ તૈયાર થતાવેંત વેચવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ આવક સારી રહેતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કુલ મળીને દોઢેક લાખ ગુણી મગફળી આવી હતી. અલબત્ત, સીંગતેલના ભાવ દબાણ હેઠળ છે જ અને કાચા માલની આવકને લીધે વધુ ભીંસ પડશે.

ઉનાળુ મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં 1 લાખ ટન થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ઉત્પાદન પાછલા વર્ષની માફક જળવાશે. જોકે નવી ખરીફ સીઝનમાં મગફળીના વાવેતરમાં પણ મોટો વધારો થવાની શક્યતા છે. કપાસના અપૂરતા ભાવ મળવાને લીધે કિસાનો નિરાશ થઈને મગફળીનાં વાવેતર કરી રહ્યા છે. ઓરવીને થતાં વાવેતરને ક્યાંક વીસ તો ક્યાંક પચ્ચીસ દિવસ થઈ ગયા છે. એમાં મગફળીનો વિસ્તાર વધારે છે.

માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવક ખૂબ સારી રહી હતી. ડિસા યાર્ડમાં સૌથી વધારે 42,500 ગુણીની આવક થઈ હતી. પાલનપુરમાં 17,557 ગુણી આવક રહી હતી. પાથાવાડામાં 2700 ગુણી આવક હતી. ગોંડલમાં 20 હજાર ગુણી અને રાજકોટમાં 17 હજાર ગુણીની આવક થઈ હતી. ગુજરાતની કુલ આવકમાં હવે 80 ટકા માલ નવો આવે છે. મગફળીનો સરેરાશ ભાવ રૂ. 1100-1405 સુધી હતો. જૂની મગફળીના ભાવ રૂ. 900-1200 વચ્ચે ચાલે છે.

ગુજરાત ઉપરાંત હવે થોડા દિવસોથી ઉત્તરપ્રદેશની મેનપુરી પંથકની મગફળી હવે આવવાનું શરૂ થયું છે. આવક પખવાડિયામાં વધશે. એ સિવાય બીજાં રાજ્યોમાં પણ આવક છે એટલે ભાવ પર દબાણ રહેશે. સીંગતેલના ભાવ પાછલી આખી સીઝનમાં સતત મંદીમાં રહ્યા હતા. એમાં હજુ તેજી થવાની હાલ કોઈ સંભાવના નથી. સીંગતેલનો ડબો રૂ. 2500-2550ની આસપાસ અથડાઇ રહ્યો છે. જે તેજીમાં એક તબક્કે રૂ. 3130 સુધી ગયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક