• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ.ર4.76 લાખના શંકાસ્પદ ચાંદીના દાગીના સાથે પરપ્રાંતીય શખસ ઝડપાયો

ચાંદી મોકલનાર અને મગાવનારની શોધખોળ

રાજકોટ, તા.રપ : રાજકોટ રેલવે સ્ટેશન પરથી એલસીબીના સ્ટાફે પટેલનગર વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાન પંથકના ડિલિવરી બોયને રૂ.ર6.76 લાખની કિંમતના ચાંદીના દાગીના સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં રહેલા એલસીબીના પોસઇ જયેન્દ્રસિંહ એમ. પરમાર તથા જમાદાર બલભદ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ અને જયવીરસિંહ સહિતના સ્ટાફે એક શખસને શંકાસ્પદ પાર્સલો સાથે જોતા ઝડપી લીધો હતો અને પૂછતાછ કરતા મૂળ રાજસ્થાન પંથકનો અને હાલમાં સોરઠિયાવાડી સર્કલ પાસેના પટેલનગર-7 માં રહેતો છોટુ શ્રીસંતોષીલાલ શર્મા હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે છોટુ શર્મા પાસે રહેલા પાર્સલોની તલાસી લેતા તેમાથી રપ નંગ ચાંદીનાં શ્રીફળ, બે કિલોના બે વાટકા, ચાંદીના ટોનરો, મટિરિયલ્સ, સ્ટોન પેન્ડલ, ચાંદીના કયડા, જેન્ટસ બ્રેસલેટ, પાયલ, મઢેલા પારા અને ઘૂઘરી સહિત રૂ.ર4.76 લાખની કિંમતના પપ કિલોથી વધુના ચાંદીના દાગીના અને મોબાઇલ સહિતની મતા કબજે કરી હતી. પોલીસની વધુ તપાસમાં છોટુ શર્મા ડિલિવરીનું કામ કરતો હતો. પોલીસે ચાંદીના દાગીના મોકલનાર અને મગાવનાર સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક