હાથી મસાલામાં નોકરી કરતું દંપતી
રાજકોટ હોટલમાં જમીને પરત જતું હતું ને કાળ ભેટયો : પુત્રનાં મૃત્યુથી પરિવારમાં ગમગીની
રાજકોટ, તા.5 : રાજકોટ-જામનગર
હાઇ વે પર પડધરીના ન્યારા ગામના પાટિયા પાસે સોમવારની મોડી રાત્રે કારની ઠોકરે સ્કૂટર
ચડી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 વર્ષના બાળકનું ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજ્યું
હતું જ્યારે માતા-પિતાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરાપીપળિયા
પાસે આવેલા હાથી મસાલા કંપનીમાં નોકરી કરતું દંપતી પરિવાર સાથે રાજકોટ હોટલમાં જમીને
પરત જતું હતું ત્યારે જ અકસ્માતમાં પુત્રનું મૃત્યુ નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા
પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ મૂળ વઢવાણના
વતની અને છેલ્લાં 20 વર્ષથી પડધરી નજીક પરા પીપળિયા ગામે આવેલી હાથી મસાલા કંપનીમાં
નોકરી કરતા પ્રહલાદભાઈ સોંડાભાઈ લકુમ (ઉં.વ.40) તેનાં પત્ની પારૂલબેન (ઉં.વ.33) તથા
પુત્ર પ્રિન્સ (ઉં.વ.8) સાથે સોમવારે સાંજે રાજકોટ જામનગર રોડ પર આવેલી હોટલમાં જમવા
ગયા હતા. જ્યાંથી સ્કૂટરમાં પરત ઘર તરફ જતાં હતાં ત્યારે રાતે બારેક વાગ્યે ન્યારા
ગામના પાટિયા પાસે પહોંચતા કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં
ત્રણેયને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે 8 વર્ષના પ્રિન્સનું
સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પારૂલબેનની હાલત ગંભીર હોવાનું
જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતા પડધરી પોલીસ મથકના
એએસઆઈ કે. કે. ગઢવીએ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતકના પ્રિન્સના પિતા પ્રહલાદભાઈની
ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પ્રિન્સ એક
બહેનથી નાનો હતો. તેની મોટી બહેન બીજા સગાના વાહનમાં બેઠી હતી. અકસ્માતમાં કારચાલક
વચલીઘોડી ગામે રહેતા ક્રિપાલસિંહને પણ ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
હતા.