• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

દુબઈમાં ધંધામાં રોકાણના બહાને રૂ.3.50 કરોડની ઠગાઈ કરનાર ચીટર દંપતી ઝડપાયું ઉંચા વળતરની લાલચ આપી અનેકને શીશામાં ઉતાર્યા’તા

અમદાવાદ, તા.9 : દુબઈમાં ધંધામાં રોકાણ કરવાના બહાને અમદાવાદમાં અનેક વ્યક્તિઓને શીશામાં ઉતારી રૂ.3.પ0 કરોડની ઠગાઈ કરનાર ખાનગી કંપનીના ચીટર દંપતીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદમાં ઈન્કમટેક્સ ચાર રસ્તા નજીક સાકાર-3 માં એન્જલ ફીનટેક પ્રા.લી.કંપની ધરાવતા સૌરીન પંકજ પટેલ અને અક્ષિતા સૌરીન પટેલ નામના દંપતીએ અનેક વ્યક્તિઓને દુબઈમાં ધંધામાં રોકાણ કરવાના બહાને સ્કીમો સમજાવી હતી અને ઉંચા વળતરની લાલચ આપી હતી તેમજ રોકાણકારોને ચીટર દંપતીએ એવું જણાવ્યું હતું કે તમારે કોઈ નાણા આપવાના નથી અને તમારી પાસેના ક્રેડિટ કાર્ડના વપરાશથી ક્રેડિટ કાર્ડની લિમીટ પર બેંક કરતા વધુ વળતર આપવાનું જણાવી શીશામાં ઉતાર્યા હતા.

આ પ્રકરણમાં શરૂઆતમાં લોનના હપ્તા ભરવા તથા ક્રેડિટ કાર્ડના વપરાશના વળતર પેટે નાણા પરત આપી નવે.ર0ર3થી બંધ કરતા ચાર-પાંચ મહિના બાદ આ રકમ આપવાની વાત કરી અમદાવાદના જશવંતસિંહ ચૌહાણ પાસેથી રૂ.48.પ8 લાખ તેમજ અન્ય રોકાણકારો પાસેથી લાખોની રકમ મળી કુલ રૂ.3.પ0 કરોડની રકમ ઉઘરાણી ચીટર દંપતી ફરાર થઈ ગયું હતું. આ અંગે પોલીસે જશવંતસિંહ ચૌહાણની ફરિયાદ પરથી સૌરીન પંકજ પટેલ અને અક્ષિતા સૌરીન પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ચીટર દંપતીને ઝડપી લઈ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક