• શુક્રવાર, 18 જુલાઈ, 2025

અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડના ત્રણ આરોપીના જામીન મંજૂર કરતી હાઈ કોર્ટ

મૃત્યુના સોદાગર સહિતના સૂત્રો લખી ગજઞઈંનો હોસ્પિટલ બહાર વિરોધ

અમદાવાદ, તા. 16: અમદાવાદના ખ્યાતિકાંડના 3 આરોપીઓના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જામીન રૂપિયા 10,000ના બોન્ડ પર મંજૂર કરાવવામાં આવ્યા છે. આ સાથે જ આરોપીઓને દર મહિને 1 વખત પોલીસ મથકે હાજરી પુરાવવી પડશે.

ગુજરાત હાઇકોર્ટ અગાઉ રાજશ્રી કોઠારી, રાહુલ જૈન અને સંજય પટોળિયાને શરતી જામીન આપી ચૂકી છે. ચિરાગ રાજપૂતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં બે મૃતક દર્દીઓના સગા દ્વારા કરાયેલ ફરિયાદ સામે જામીન મેળવવા અરજી દાખલ કરી છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને સર્જન ડોક્ટર પ્રશાંત વજીરાણી હજી જેલમાં છે.

દરમિયાન આરોપીઓનો જામીન પર છુટકારો થતા આજે ગજઞઈંના કાર્યકર્તાઓએ હોસ્પિટલ પહોંચી વિરોધ કર્યો હતો. ખ્યાતિ હોસ્પિટલના ગેટ પર મોતના સોદાગર સહિતના સૂત્રો લખેલા બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

હાઇકોર્ટમાં ચિરાગ રાજપૂતના વકીલે દલીલ કરતા કહ્યુ હતુ કે અરજદારને નવેમ્બર, 2024 માં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારથી તે પોલીસ કસ્ટડીમાં છે. તેમની પાસે મેડિકલની કોઈ ડીગ્રી નથી. ખ્યાતિ હોસ્પિટલમાં સર્જરી કરાવવાની કોઈ પેશન્ટને સલાહ તેમને આપી નથી. હોસ્પિટલની માર્કાટિંગ પોલિસી મુજબ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું. આવા કોઈ કેમ્પ યોજવા ગુનો નથી. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે ચિરાગ રાજપુત ડાયરેક્ટર હોવાથી તેઓ ખ્યાતિ હોસ્પિટલના રોજબરોજના કામકાજ સાથે સંકળાયેલા હતા. તેઓ ડોક્ટરો ઉપર વધુમાં વધુ એનજીઓગ્રાફી અને એનજીઓપ્લાસ્ટિ કરવા માટે દબાણ કરતા હતા. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ ત્રણેય આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક