અમદાવાદ, તા. 8 : તાજેતરમાં રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી કરવામાં આવી હતી. ચોરેલી ચાંદીને વેચવાનો વહીવટ આ આરોપીઓ મહેસાણા કરવાના હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે ઓપરેશન હાથ ધરીને પ્રદીપ અને કમલેશ નામના બે આરોપીને 40 કિલો ચાંદી સાથે પોલીસે મહેસાણાથી ઝડપી લીધા છે. જ્યારે એક મુખ્ય આરોપીને શોધવા માટે સુરત અને વડોદરામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું
કે, ચોરાયેલો માલ મહેસાણા વેચવામાં આવનાર હતો. તે દરમિયાન ક્રાઇમ બ્રાંચે આ કાર્યવાહી
કરી હતી. હવે પોલીસ આ ગુનામાં સંકળાયેલા એક મુખ્ય આરોપીને ઝડપી લેવામા માટે સુરત અને
વડોદરામા સઘન શોધખોળ કરી રહી છે. આમ સમગ્ર ચોરીના કેસમાં મૂળ સુધી પહોંચવા તપાસ તેજ
કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગત 4 ફેબ્રુઆરીએ
રાજકોટ ચંપક નગરમાં 120થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરીની મોટી ઘટના સામે આવી હતી. તસ્કરો રાત્રે 2થી 2.30 વાગ્યા આસપાસ ફોર વ્હીલર
લઈને આવ્યા હતા. વેપારીના પરિચિત બિપિનભાઈનું ઘર ટાર્ગેટ હતું. ઘરમાં ઘૂસીને 120થી
125 કિલોગ્રામ, કિંમતે 1 કરોડથી વધુની ચાંદી ચોરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ બિપિનભાઈએ
વેપારી અતુલભાઈ પટેલને કરી હતી, તેમણે તાત્કાલિક પોલીસ અને ધારાસભ્ય ઉદય કાનગડને જાણ
કરી હતી. જે પછી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.