• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

ગોંડલના મોવિયામાં સગર્ભાએ કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત

બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી : આપઘાતનું કારણ અકબંધ

ગોંડલ,તા.15 : ગોંડલના મોવિયા ગામે શિવરાજગઢ રોડ પર આવેલી વાડીના કૂવામાં ઝંપલાવી પરપ્રાતિય સગર્ભાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મોવિયા શિવરાજગઢ રોડ પર જગાભાઇ ખુંટની વાડીએ ત્રણ વર્ષથી ભાગીયું રાખી ખેતમજુરી કરતા મધ્યપ્રદેશનાં સુનિલભાઈ ઉકુભાઇ ભાભોરનાં પત્નિ લક્ષ્મીબેન (ઉ.24)એ કોઈ અગમ્ય કારણોસર વાડીનાં કુવામાં પડી આપઘાત કર્યો હતો. તેમનાં પતિ વાડીમાં ટ્રેકટર ચલાવી રહ્યા હતા ત્યાંરે લક્ષ્મીબેને આત્મઘાતી પગલુ ભર્યુ હતુ.

બનાવની જાણ થતા સુનિલભાઈ દોડી આવી લોકોની મદદથી લક્ષ્મીબેનનાં મૃતદેહને કુવામાંથી બહાર કાઢી ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવનાં પગલે પગલે પતિ સુનિલભાઈ સહિત પરિવારના સભ્યો શોકમગ્ન બન્યા હતા. મૃતક લક્ષ્મીબેનને સંતાનમાં બે નાની દીકરીઓ છે. માસૂમ બાળકીઓએ માતાની છત્રછાયા ગુમાવતા  ગમગીની છવાઈ હતી.

મૃતક ગર્ભવતી હોય ફોરેન્સિક પીએમ માટે તેના મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસનાં મેહુલભાઈ બોરીચાએ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક