• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

આજથી વિધાનસભાનું બજેટ સત્ર

એપ્રિલ-મે દરમ્યાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરી-ગ્રામ્ય વિકાસની નવી યોજનાઓ

            જાહેર થવાની સંભાવના

હૃષિકેશ વ્યાસ

અમદાવાદ,તા.15 :  16મી, ફેબ્રુઆરીના સોમવારથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરુઆત થશે. જે 25મી માર્ચના બુધવાર સુધી ચાલશે. આ સત્ર દરમ્યાન લોકોના અનેકાનેક પ્રશ્નો-સમસ્યાઓને લઈ વિરોધ પક્ષ સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન જરુર કરશે પરંતુ ગૃહમાં વિપક્ષના નબળા સંખ્યાબળને ધ્યાને લેતા વિપક્ષ દ્વારા સરકારને મુશ્કેલીમાં મૂકી શક્યા તેવી સ્થિતિની ખાસ શક્યતા જણાતી નથી. આમ છતાં સંસદમાં વિપક્ષના આક્રમક દેખાવને પગલે ગુજરાતમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારને લોક-પ્રશ્નોને લઈ સરકારને ભીંસમાં લેવાની એકપણ તક જતી નહીં કરે એમ મનાય છે.

વિધાનસભા ગૃહમાં સત્તાધારી ભાજપના કુલ 162, કોંગ્રેસના 12, આમ આદમી પાર્ટીની 6, 2 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટીની મળીને કુલ 182નું સંખ્યાબળ છે.

આ વખતે સત્ર પ્રારંભની બીજા દિવસને બદલે ત્રીજા દિવસે એટલે કે 18મીના બુધવારે ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2026-27 માટેનું વાર્ષિક બજેટ રજૂ કરશે. સરકારનું વર્ષ 2025-26નું બજેટ કુલ રુ. 3.70 લાખ કરોડનું હતું અને તેમાં સ્વાભાવિક સરેરાશ 10થી 15 ટકાનો વધારો થતો હોવાની શક્યતા વચ્ચે આ વખતનું બજેટ 4 લાખ કરોડના આંકડાને પાર કરે તેની શક્યતા નકારી શકાતી નથી. આગામી એપ્રિલ-મેની આસપાસ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય, માર્ગ-મકાન જેવા અસરકર્તા વિભાગોને ધ્યાને લઈ મહત્વની યોજનાઓ જાહેર કરાય તેવી સંભાવના મનાય છે. એવી જ રીતે આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વિશેષ ભાર મૂકાય, ’વિકસિત ગુજરાત ।઼2047’ ના રોડમેપ મુજબ નવી યોજનાઓની જાહેરાત થઈ શકે તેવી શક્યતા મનાય છે.

આ સત્રના પ્રથમ દિવસનો પ્રારંભ રાષ્ટ્રિય ગીત અને રાષ્ટ્રીય ગાનની ધૂન સાથે થશે ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જેમાં તેઓ વર્ષ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા કરાયેલી કામગરીની પ્રશંસા કરશે. રાજ્યપાલના પ્રવચન બાદ 15 મિનિટની વિરામ પછી સત્તાવાર રીતે વિધાનસભા ગૃહની પ્રથમ બેઠકની શરુઆત થશે. ગૃહની બેઠકની પ્રથમ કલાક દરમ્યાન પ્રશ્નોત્તરી બાદ મુખ્યમંત્રી દ્વારા આ ગૃહના પૂર્વ સભ્યો એવા પૂર્વ સદ્દગત મંત્રીઓ, સદ્દગત ધારાસભ્યોને શ્રધ્ધાંજલી આપતો પ્રસ્તાવ રજૂ કરશે. જેને વિપક્ષના નેતા દ્વારા સમર્થન અપાયા બાદ સત્તાધારી અને વિપક્ષના સભ્યો પણ સદ્દગત ધારાસભ્યોને શ્રધ્ધાંજલી અર્પશે ત્યારબાદ વિવિધ રિપોર્ટસ્ રજૂ કરાશે અને ગૃહની ઔપચારિક કામગીરી બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. જેમાં કોંગ્રેસ તરફથી ધારાસભ્ય શૈલેષ પરમાર અને ભાજપ તરફથી ધારાસભ્ય પૂર્ણેશ મોદીના નામના પ્રસ્તાવ મૂકાશે ત્યારબાદ આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ગૃહમાં ભાજપ-કોંગ્રેસ કે સત્તાધારી-વિપક્ષના સંખ્યાબળને જોતા ભાજપના ધારાસભ્ય ઉપાધ્યક્ષ પદે ચૂંટાઈ આવે એવી શક્યતા છે. 

લોકોના પ્રશ્નો અને સત્રના સંભવિત મુખ્ય મુદ્દા

આ બજેટ સત્રમાં સિંચાઈના પાણી, પોષણક્ષમ ભાવ અને પાક વીમા અંગે વિપક્ષ આક્રમક બની શકે છે

સતત વધતી જતી મોંઘવારી અને શિક્ષિત યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરવાના મુદ્દે વિપક્ષ સરકાર પાસે જવાબ માંગે તેવી શક્યતા

ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓની ઘટ અને સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓના કથિત અભાવ અંગે ચર્ચાની શક્યતા

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા અને પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા કડક અમલીકરણની માગ ઉઠી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક