• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

વિશ્વકપમાં જીતના પાટે ચડયું ઈંગ્લેન્ડ

સ્કોટલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું : ટોમ બેંટનના નોટઆઉટ 63 રન

કોલકાતા, તા. 14 : આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપ 2026ના ગ્રુપ-સીમાં કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે મુકાબલો રમાયો હતો. સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ બન્ને માટે આ મેચ કરો યા મરોનો હતો. જેમાં ઈંગ્લેન્ડની ટીમે સ્કોટલેન્ડને પાંચ વિકેટે હરાવીને સુપર-8 માટે સ્થિતિ મજબુત કરી લીધી છે. જ્યારે સ્કોટલેન્ડ માટે હવે સુપર-8મા જવા માટેની સંભાવના ખુબ ઓછી છે.

મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા સ્કોટલેન્ડે 152 રન કર્યા હતા. જેમાં કેપ્ટન રિચી બેરિંગટને સર્વાધિક 49 રન કર્યા હતા. જ્યારે માઈકલ જોન્સે 33 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ માટે આદિલ રાશિદ સૌથી સફળ બોલર રહ્યો હતો. જેણે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે જોફ્રા આર્ચર અને લિયામ ડોસનને બે-બે વિકેટ મળી હતી.

153 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ધીમી રહી હતી અને માત્ર 13 રને બન્ને ઓપનિંગ ખેલાડી ગુમાવી દીધા હતા. બાદમાં ટોમ બેંટને શાનદાર બેટિંગ કરતા 41 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી નોટઆઉટ 63 રન કર્યા હતા. બેંટનને જેકબ બેથલ (32 રન) અને સેમ કુરેન (28 રન)નો સારો સહયોગ મળ્યો હતો. ઈંગ્લેન્ડે 18.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક