• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની સફાઈનું અભિયાન તેજ ઃ પોસ્ટરો ચોંટાડાયાં

- પોસ્ટરમાં જૈશના પાકિસ્તાની કમાન્ડર સૈફુલ્લાહ સહિતના

આતંકીઓનાં ફોટો અને વિવરણ ઃ જનતાને જાણકારી આપવા અપીલ

 

નવીદિલ્હી, તા.14 ઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામેનું અભિયાન વધુ આક્રમક બનાવી દેવામાં આવ્યું છે અને તેમાં અનેક સ્થળે આતંકવાદીઓનાં પોસ્ટર ચોંટાડવામાં આવ્યાં છે. આમાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીઓનાં નામ પણ

સામેલ છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદ વિરોધી અભિયાનને ગતિ આપતા ડોડા જિલ્લામાં સક્રિય આતંકવાદીઓ વિશે લોકજાગૃતિ લાવવા અને તેમની ભાળ મેળવવા માટે મહત્ત્વપૂર્ણ સ્થળોએ પોસ્ટર લગાવ્યા છે. આમાં પ્રતિબંધિત સંગઠન જૈશના પાકિસ્તાની કમાન્ડર સૈફુલ્લાહનું નામ પણ સામેલ છે.

તાજેતરના એન્કાઉન્ટર અને આ વિસ્તારમાં આતંકીઓની હાજરી અંગે મળેલી ગુપ્તચર માહિતી બાદ જમ્મુ વિભાગના ઊંચાઈવાળા વિસ્તારોમાં સુરક્ષા અભિયાન વધુ કડક બનાવાયું છે. તેના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. ડોડાના પ્રવેશદ્વાર ગણાતાં ગણપત પુલ, નાગરી, ડેસા અને ઠાઠરી સહિતના મુખ્ય ચોક અને જાહેર સ્થળોએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે આતંક વિરોધી અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં નોટિસો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન, શનિવારે સવારે સુરક્ષા દળોએ ડોડાના ગાંડો વિસ્તારમાં ચિલ્લી જંગલમાં આતંકવાદીઓનાં એક ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. ત્યાંથી ખાદ્ય સામગ્રી અને ધાબડાં જપ્ત કરવામાં આવ્યાં હતાં. આસપાસના જંગલોમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે. પોસ્ટરોમાં શંકાસ્પદોના ફોટા અને સંક્ષિપ્ત વિગતો સાથે જનતાને વિશ્વસનીય માહિતી પોલીસને પહોંચાડવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં માહિતી આપનારાની ઓળખ ગોપનીય રાખવાની અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની ખાતરી આપવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક