ગોંડલ, તા.15 : ગોંડલ નેશનલ હાઇ વે માર્કેટ યાર્ડ નજીક જેતપુર નવાગઢથી એક્ટિવા પર અમદાવાદ જઈ રહેલો યુવાન અકસ્માતનો ભોગ બન્યો હતો. એક્ટિવા સ્લિપ થતાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. એ સમયે પાછળથી આવી રહેલું અજાણ્યું વાહન યુવાન પરથી પસાર થતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ મૃતદેહને ગોંડલની સરકારી હોસ્પિટલ ખસેડી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના નવાગઢ
નાગબાઇ સોસાયટીમાં રહેતા અને અમદાવાદ બાવળા નજીક એગ્રિકલ્ચર દવાની ફેક્ટરીમાં કામ કરતાં
કરણાસિંહ ભોજુભાઇ બાબરિયા (ઉં.35) સવારે એક્ટિવા સ્કૂટર લઈ અમદાવાદ જવા નીકળ્યાં ત્યારે
માર્કેટ યાર્ડ નજીક માલધારી હોટલ સામે અચાનક
એક્ટિવા સ્લિપ થતાં કરણાસિંહ રોડ પર પટકાયા હતા. એ સમયે પૂરઝડપે પાછળ ધસી આવેલું અજાણ્યું
વાહન કરણાસિંહ પરથી પસાર થતાં ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું
હતું. બનાવનાં પગલે રોડ પર લોકોનાં ટોળા એકઠા થયાં હતાં.
અકસ્માતનો ભોગ બનનાર કરણાસિંહને
ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.
અકસ્માતની જાણ થતા પોલીસ દોડી
આવી હતી અને મૃતકનાં ખિસ્સામાં રહેલા આધાર કાર્ડના આધારે તેના પરિવારને જાણ કરી હતી.