આયર્લેન્ડ સામે મળી હાર : આયર્લેન્ડના 235 રન સામે 139માં ઓલઆઉટ
કોલંબો,
તા. 14 : આઇસીસી ટી20 વિશ્વકપના મેચ નંબર 22મા શનિવારે આયર્લેન્ડનો સામનો સામનો ઓમાન
સામે થયો હતો. બન્ને ટીમ વચ્ચે ગ્રુપ બીનો મુકાબલો કોલંબોના સિંહલીઝ સ્પોર્ટસ ક્લબમાં
થયો હતો. મુકાબલામાં આયર્લેન્ડે ઓમાનને 96 રને હરાવ્યું હતું. આયર્લેન્ડે ઓમાન સામે
જીત માટે 236નું લક્ષ્ય આપ્યો હતો. જેનો પીછો કરતા ઓમાની ટીમ 18 ઓવરમાં 139 રન ઉપર
સમેટાઈ હતી. આ હાર સાથે જ ઓમાનની ટીમ વર્તમાન વિશ્વકપમાં ગ્રુપ સ્ટેજમાં જ બહાર થનારી
પહેલી ટીમ બની છે.
આયર્લેન્ડને
તેના પહેલા મુકાબલામાં શ્રીલંકાએ 20 રનથી હરાવી દીધું હતું. પછી ઓસ્ટ્રેલિયા સામે
67 રને હારનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ ઓમાનની ટીમ ઝિમ્બાબ્વે સામે 8 વિકેટથી
હાર્યું હતું. ત્યારબાદ ઓમાનને શ્રીલંકાએ 105 રને હરાવ્યું હતું. રનચેઝમાં ઓમાન માટે
ઓપનિંગ બેટ્સમેન આમિર કલીમ અને હમ્માદ મિર્ઝા જ સંઘર્ષ કરી શક્યા હતા. આમિરે 50 રન
કર્યા હતા જ્યારે હમ્માદે 46 રન કર્યા હતા. આયર્લેન્ડ તરફથી જોશ લિટિલે ત્રણ વિકેટ
લીધી હતી.
મુકાબલામાં
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા આયર્લેન્ડે પાંચ વિકેટે 235 રન કર્યા હતા. આયર્લેન્ડના
કેપ્ટન લોર્કન ટકરે 94 રન કર્યા હતા. જ્યારે ગેરેથ ડેલાનીએ 56 રનનું યોગદાન આપ્યું
હતું. આ ઉપરાંત જોર્જ ડોરેલે માત્ર નવ બોલમાં નોટઆઉટ 35 રન કર્યા હતા. આયર્લેન્ડ અને
ઓમાન વચ્ચે અત્યારસુધીમાં કુલ છ મુકાબલા રમાયા છે. જેમાંથી ઓમાનને બે અને આયર્લેન્ડને
ચારમાં જીત મળી છે.